ગુમ થયેલ મોબાઈલફોન અને બાઇક સહિતની વસ્તુઓ પરત મળતા અરજદારોએ પોલીસની કામગીરીને બિરદાવી
તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુમ થયેલ મોબાઈલફોન અને બાઇક સહિતનો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલિકોને પરત કર્યો હતો.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સીઇઆઇઆર પોર્ટલની મદદથી ગુમ થયેલ રૂ. 1.22 લાખની કિંમતના 7 મોબાઈલ ફોન, રૂ. 60 હજારની કિંમતની 3 બાઈક, એક કંપનીમાંથી ચોરી થયેલ રૂ. 1.69 લાખની કિંમતનો 6એચક્યુ પાવડર મળી કુલ રૂ. 3,51,400નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો. પોતાની ગુમ ચીજ વસ્તુઓ પરત મળતા અરજદારોએ પોલીસની કામગીરી બિરદાવી હતી. મહત્વનું છે કે, વર્ષ 2025માં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન દ્વારા કુલ રૂ. 9.40 લાખની કિંમતના 56 મોબાઈલફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત કરાયા હતા.