માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: આમોદમાં પતંગ ચગાવતો બાળક ચોથા માળેથી નીચે પટકાયો, થઈ ગંભીર ઈજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Uttarayan Festival: હાલ ઉત્તરાયણનો તહેવાર નજીક છે. ત્યારે દોરી વાગવા અને બાળકો ધાબા પરથી નીચે પટકાવાની ઘટના સામે આવી રહી છે. આજે(25 ડિસેમ્બર) ભરૂચ જિલ્લાના આમોદમાં પતંગ ચગાવતા સમયે દુર્ઘટના બની છે. શોપિંગ સેન્ટરના ચોથા માળેથી 10 વર્ષીય બાળક નીચે પટકાયો હતો. બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પરિવાર ચિંતામાં ગરકાવ
ભરૂચના આમોદ નગરના નાના તળાવ મારુવાસ વિસ્તારમાં આ ચેતવણીરૂપ ઘટના બની છે. 10 વર્ષીય દેવરાજ પ્રવીણભાઈ વાઘેલા નામનો બાળક પતંગ ચગાવવા મુખ્ય બજાર પાસે ટાવરની બાજુમાં આવેલ શોપિંગ સેન્ટરના ચોથા માળે ચઢ્યો હતો. જ્યાં બે ધ્યાન થઈ જતાં ચોથા માળેથી સીધો નીચે પડ્યો હતો. બાળકને ઈજાગ્રસ્ત જોઈ હાજર લોકોમાં ચીસાચીસ મચી હતી. તેને તાત્કાલિક આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પરિવારને કરવામાં આવતા તેમના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. બાળકને લોહી લુહાણ જોઈ ચિંતામાં સરી પડ્યા હતા.
સાવધાન! મકરસંક્રાંતિની મજા સજા ન બને
સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હાજર ડોકટરોની સારવાર બાદ સદનસીબે બાળકના હાલ ખતરાની બહાર છે. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે માતા-પિતાએ બાળકો પતંગ ચગાવવા જાય ત્યારે ખૂબ જ સતર્ક રહેવું જરૂરી છે. નહીંતર મકરસંક્રાંતિની મજા સજામાં ફેરવાઇ શકે છે.









