Gujarat

ભરૂચના જંબુસર નજીક દરિયામાં બોટ પલટી, 50થી વધુ કામદારોને બચાવી લેવાયા, બોટ માલિકનું મોત

By GS TEAM
6 Dec 20252 mins read
TukuTouch Logo
ભરૂચના જંબુસરના આસરસા ગામ નજીક શ્રમજીવીઓની બોટ દરિયામાં પલટી જતાં દોડધામ મચી છે. ONGCના ઓઇલ સર્વે માટે બોટ લઈ 25થી વધુ કામદારો જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ બોટે દરિયામાં સમાધિ લઈ લીધી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભરૂચના જંબુસર નજીક દરિયામાં બોટ પલટી, 50થી વધુ કામદારોને બચાવી લેવાયા, બોટ માલિકનું મોત

Bharuch  Boat Capsizes news: ભરૂચ જિલ્લાના જંબુસરના આસરસા ગામ નજીક કામદારોની બોટ દરિયામાં પલટી જતાં દોડધામ મચી છે. ONGCના ડ્રિલિંગ કામ માટે જતા કામદારોની બોટ પલટી જતા કામદારો પાણીમાં ખાબક્યા હતા, જેમાં બોટ માલિક રોહિત મકવાણાનું મોત થયું હતું. આ ઘટનાને પગલે અફરાતફરી મચી છે. મળતી માહિતી મુજબ, બોટમાં લગભગ 50 થી 60 કામદારો બોટમાં સવાર હતા. તે દરમિયાન અચાનક જ બોટે દરિયામાં જળસમાધિ લઈ લીધી હતી. સ્થાનિક પોલીસ, 108 ટીમ અને ગામ લોકો દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં કેટલા લોકો પાણીમાં ડૂબ્યા અને કેટલાને બહાર કાઢવામાં આવ્યા તેની તપાસ ચાલી રહી છે.

એકનું મોત, એક લાપતા તો અન્ય તમામનો બચાવ

પ્રાથમિક માહિતી અનુસાર, શનિવારની સમી સાંજે બનેલી આ ગંભીર દુર્ઘટનામાં રોહિત ગણપત મકવાણા નામના યુવાનનું મોત થયું છે. જ્યારે એક કામદાર નરેશ અનોપ રાઠોડ લાપતા થયો છે. બાકીના કામદારોને બચાવી તાત્કાલિક તબીબી સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

કામદારને લાઇફ જેકેટ ન અપાયા હોવાનો આક્ષેપ

બોટમાં લગભગ 50 થી 60 હિન્દી ભાષી કામદારો સવાર હતાં. આ ઘટનામાં કોઇ લાપતા હોવાની આશંકાના પગલે પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સારવાર માટે પહોંચેલા કામદારોએ આક્ષેપ કર્યો હતો કે કોઈ પણ કામદારને લાઈફ જેકેટ આપવામાં આવ્યા ન હતાં. દરરોજ અસરસાથી સામેના કાંઠે ગાંધાર-મુલેર તરફ બોટ દ્વારા અવરજવર કરાવવામાં આવતી હતી. સુરક્ષા સાધનો વિના કામે મોકલાતાં કામદારોનો જીવ જોખમમાં મૂકાતો હતો. 

કયા કારણોસર બોટ દરિયામાં પલટી?

પ્રાથમિક વિગતો અનુસાર દરિયામાં ભરતી આવતા ઊંચા મોજાના કારણે બોટ પલટી મારી ગઈ હતી. હાલ લાપતા કામદાર નરેશ અનોપ રાઠોડને શોધવા સ્થાનિક માછીમારો અને બચાવ દળની મદદ લઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ધારાસભ્ય અને મામલતદાર હોસ્પિટલ પહોચ્યાં

મામલતદાર વસાવા અને ધારાસભ્ય ડી.કે. સ્વામી દુર્ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ દોડી આવ્યા હતા. કામદારો અને ONGCના સંબંધિત અધિકારીઓ પાસે ઘટનાની વિગતો જાણી હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ તમામ શ્રમિકોને યોગ્ય સારવાર મળે તે પણ સુનિશ્વિત કરવામાં આવ્યું છે.