Get The App

બે સદીના ઇતિહાસનો સાક્ષી ભરૃચના પ્રસિધ્ધ ગોલ્ડ બ્રિજને તાળા

દોઢ વર્ષ પહેલા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો, હવે લોકોની પગપાળા અવર જવર પણ બંધ કરવામાં આવી

Updated: Jan 5th, 2025

GS TEAM

Google News
Google News
બે સદીના ઇતિહાસનો સાક્ષી ભરૃચના પ્રસિધ્ધ ગોલ્ડ બ્રિજને તાળા 1 - image


ભરૃચ : ભરૃચ ખાતે નર્મદા નદી પર ૧૮૮૧માં બનેલ ગોલ્ડન બ્રીજને દોઢ વર્ષ પહેલા વાહનો માટે બંધ કરાયા બાદ હવે લોકોની પગપાળા અવર જવર માટે પણ બંધ કરવામાં આવ્યો છે. વાહન વ્યવહાર માટે બંધ થયા બાદ ગોલ્ડ બ્રિજ ઉપર લોકો સાંજે ટહેલવા આવતા હતા અને સેલ્ફી પોઇન્ટ બની ગયો હતો જો કે સેલ્ફી લેવાના ચક્કરમા અકસ્માતનો ભય હોવાથી સરકારે સાવચેતીના પગલા લઇને હવે બ્રિજને સંપૂર્ણ બંધ કરી દીધો છે.

 ટેકનિકલ દ્રષ્ટીએ ૧૪૩ વર્ષ જુના ગોલ્ડન બ્રિજની આવરદા પૂર્ણ થઇ છે એટલે ગમે ત્યારે ક્ષતીગ્રસ્ત થવાનો પણ ભય રહેલો છે. એટલે વર્ષ ૨૦૧૫-૧૬માં ગોલ્ડન બ્રિજને સમાંતર ફોર લેન નર્મદા બ્રિજ બનાવવામાં આવ્યો છે અને તેના ઉપર ૧૨ જુલાઈ ૨૦૨૧થી વાહન વ્યવહાર શરૃ છે એટલે ગોલ્ડન બ્રિજ પરથી વાહન વ્યવહાર ઓછો થઇ ગયો હતો. દરમિયાન જુલાઇ ૨૦૨૩માં ગોલ્ડન બ્રિજ ઉપરથી તમામ વાહનો માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

૧.૩૦ મિટર લંબાઇ ધરાવતા ગોલ્ડન બ્રિજને આ વર્ષે ૧૪૩ વર્ષ થયા. આ બ્રિજ બાવન મીટરના કુલ ૨૮ સ્પાન ઉપર ટકેલો છે. જેમાં ૮૫૦ ગર્ડર અને ૨.૮૦ લાખ રિવેટ લાગેલા છે. ૧૯૬૫ અને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે આ બ્રિજ ભારતીય સેનાના વાહનો માટે મહત્વનો સાબીત થયો હતો. પુલને સોનેરી રંગથી રંગવામાં આવ્યો હતો એટલે તેનુ નામ ગોલ્ડન બ્રિજ પડયુ હતું.

Tags :