Get The App

દૂધધારા ડેરી: ભાજપે 9 નેતા સસ્પેન્ડ કર્યા છતાં ધારાસભ્યએ પક્ષ સામે જ મોરચો માંડ્યો, કમળ વિના ચૂંટણી લડવાની જાહેરાત

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
દૂધધારા ડેરી: ભાજપે 9 નેતા સસ્પેન્ડ કર્યા છતાં ધારાસભ્યએ પક્ષ સામે જ મોરચો માંડ્યો, કમળ વિના ચૂંટણી લડવાની જાહેરાત 1 - image


Bharuch Dudhdhara Dairy Election: ​ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા જ જિલ્લા ભાજપમાં મોટો ભડકો થયો છે. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણેની સહકાર વિકાસ પેનલના 9 ઉમેદવારોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ભાજપના જ ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પક્ષ સામે મોરચો માંડ્યો છે અને ભાજપના ઉમેદવારોની પેનલ સામે વિકાસ પેનલ ચૂંટણી મેદાને ઉતારી છે. બીજી તરફ દૂધધારા ડેરીમાં ચેરમેન ઘનશ્યામ પટેલે વાગરાના ધારાસભ્ય પર ગંભીર આરોપ લગાવ્યા છે. 

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, ​ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ભાજપના ઉમેદવારોની પેનલ સામે વિકાસ પેનલ ચૂંટણી મેદાને ઉતારી છે. તેમણે કહ્યું કે, 'સસ્પેન્ડ કરવાનો કોઈ અર્થ નથી. આનાથી કોઈ ફરક પડે નહીં. અમારી વિકાસ પેનલ ચૂંટણી લડશે અને જીતશે કેમકે, કાર્યકરોનો સાથ-સહકાર છે.'

​નોંધનીય છે કે, દૂધધારા ડેરીની મલાઈદાર ચૂંટણી માટે અરૂણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારો અને ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને પ્રદેશ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું. તેમ છતાં વાગરા ધારાસભ્યએ મેન્ડેટ વિરૂદ્ધ જઈ પોતાની પેનલ ઉતારી હતી. ચૂંટણી લડનાર સભ્યો પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

સસ્પેન્ડ થયેલા ઉમેદવારોમાં સાયખાના હેમતસિંહ રાજ, જંબુસરના જગદીશ પટેલ, કાવીઠાના જીગ્નેશ પટેલ, જંબુસરના નટવરસિંહ પરમાર, હાંસોટના શાંતાબેન પટેલ અને હાંસોટના જ વિનોદ પટેલ, સોમા વસાવા, દિનેશ બારીયા અને સુનિલ પટેલનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ સભ્યોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી તથા પ્રાથમિક સભ્ય પદેથી બરતરફ કર્યા હતા.

આ પણ વાંચો: તૈયારીમાં લાગી જજો! સ્પે. TET-1 અને TET-2ની પરીક્ષાની જાહેરાત, જાણો ક્યાં-ક્યાં અપાયા સેન્ટર


ઘનશ્યામ પટેલના વાગરાના ધારાસભ્ય પર આરોપ

ભરૂચ દૂધધારા ડેરીમાં ચેરમેન ઘનશ્યામ પટેલે ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણા પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, અરુણસિંહ રાણા પોતાની ખાનગી ડેરી ચલાવે છે અને તે ડેરીના પ્રતિસ્પર્ધી કહીં શકાય છે. તેથી ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણી લડીને પોતાનો વ્યવસાય વધારવા માંગે તેવું લાગે છે.

19મી સપ્ટેમ્બરે મતદાન યોજાશે

ભરૂચ દૂધધારા ડેરી માટે આગામી 19મી સપ્ટેમ્બરે 4 જુદા જુદા સ્થળોએ મતદાન યોજાશે. મતદાન બાદ 20મીએ થનાર મતગણતરીમાં દૂધધારાનું સુકાન કોના હાથમાં આવે છે તે જોવાનું રહ્યું.

Tags :