Narmada Jayanti: આજે (25મી જાન્યુઆરી) નર્મદા જયંતિના પાવન પર્વે નર્મદા કિનારે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લાના માંગરોળ ખાતે ગ્રામજનો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 1500 ફૂટ લાંબી સાડી (ચુંદડી) માતા નર્મદાને અર્પણ કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી.
માંગરોળની ‘ઉત્તરવાહિની’ નર્મદાનું વિશેષ મહત્ત્વ
માંગરોળ ખાતે નર્મદા નદી ‘ઉત્તરવાહિની’ સ્વરૂપે વહે છે, જેનું ધાર્મિક દ્રષ્ટિએ અનન્ય મહત્ત્વ છે. ચૈત્ર માસમાં અહીં હજારો શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે ઉમટી પડે છે. આજે નર્મદા જયંતિ નિમિત્તે સુરતથી ખાસ મંગાવવામાં આવેલી 1500 ફૂટ લાંબી સાડી માંગરોળના કિનારેથી સામે પાર રીંગણી ગામના કિનારા સુધી અર્પણ કરવામાં આવી હતી.

આ ભવ્ય આયોજનમાં 1000થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. નદીની મધ્યધારામાં 15 જેટલી નાવડીઓની મદદથી સાડીને એક છેડેથી બીજા છેડા સુધી ફેલાવી માતાજીને ઓઢાડવામાં આવી હતી. મંત્રોચ્ચાર અને ‘નર્મદે સર્વદે’ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિશેષ વાત એ છે કે, અર્પણ કર્યા બાદ આ સાડી પરત લેવામાં આવી હતી, જે હવે પ્રસાદી સ્વરૂપે ગ્રામજનોમાં વહેંચવામાં આવશે.

નર્મદા માતાની ઉત્પત્તિની કથા
પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન શિવ જ્યારે મૈકલ પર્વત પર તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે તેમના પરસેવાના ટીપામાંથી એક કુંડ રચાયો અને તેમાંથી એક કન્યાનો જન્મ થયો, જે નર્મદા તરીકે ઓળખાયા. શિવજીના આદેશથી તેઓ રેવા (અવાજ) કરતા વહેવા લાગ્યા, તેથી તેમનું નામ ‘રેવા’ પણ પડ્યું. મૈકલ પર્વતમાંથી ઉદ્ભવતા હોવાથી તેમને ‘મૈકલ સુતા’ પણ કહેવામાં આવે છે.

ગંગામાં સ્નાન કરવાનું જે ફળ મળે છે, તે નર્મદાના માત્ર દર્શનથી મળે છે તેવી લોકવાયકા છે. મહર્ષિ માર્કન્ડેય અનુસાર નર્મદાના કણ-કણમાં શંકર (નર્મદેશ્વર મહાદેવ) વસે છે. ભારતની સાત પવિત્ર નદીઓમાં નર્મદાનું સ્થાન અગ્રગણ્ય છે. પ્રલય કાળમાં પણ નર્મદા નદી શાંત અને અવિરત વહેતી હોવાનું પુરાણોમાં વર્ણન છે.


