વડોદરા,ભરૃચના બિઝનેસમેનને ડરાવી ધમકાવી સાડા ચાર લાખ પડાવી લેવાના ગુનામાં પોલીસે બે આરોપીઓના રિમાન્ડ લીધા છે. આ કેસમાં આરોપીઓ યુવકની ગર્લ ફ્રેન્ડને પણ અપહરણ કરીને લઇ ગયા હતા. બનાવના ૮ દિવસ પછી પણ હજી ગર્લફ્રેન્ડનો કોઇ પતો નથી.
ભરૃચ શેરપુરા રોડ પર મદીના પાર્ક સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષનો અફાન ઉસ્માનભાઇ કાની ઓન લાઇન ટ્રેડિંગનો બિઝનેસ કરે છે. તેણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત ૧૨ મી તારીખે બપોરે હું તથા મારી ગર્લફ્રેન્ડ કારમાં વડોદરા એમ.એસ.યુનિવર્સિટીથી ભરૃચ જતા હતા.તે દરમિયાન એસ.ઓ.જી. અમદાવાદના પોલીસના માણસોની ઓળખ આપી આરોપીઓ મારી કારમાંથી મારી ગર્લ ફ્રેન્ડને ઉતારી તેઓની કારમાં બેસાડીને લઇ ગયા હતા. જ્યારે અન્ય બે આરોપીઓ મને તથા ડ્રાઇવરને બળજબરીથી કારમાં બેસાડી અમદાવાદ લઇ ગયા હતા. તેઓએ મારી પાસેથી બળજબરીથી સાડા ચાર લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં માંજલપુર પોલીસે બે આરોપીઓ યાજ્ઞિાક રમણભાઇ ચાવડા (રહે. જેલ સ્ટાફ ક્વાટર્સ, સેન્ટ્રલ જેલ, વડોદરા,મૂળ રહે. અમદાવાદ) તથા આફતાબ નઇમખાન પઠાણ, ઉં.વ.૨૬ (રહે. બરકર એપાર્ટમેન્ટની પાછળ, તાંદલજા) ને ઝડપી પાડી રિમાન્ડ લીધા છે. આ કેસમાં અપહૃત ગર્લફ્રેન્ડનો ૮ દિવસ પછી પણ હજી કોઇ પતો નથી. પોલીસ દ્વારા ખંડણીના રૃપિયા રિકવર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


