Gujarat

હત્યાના ગુનામાં જેલમાંથી જામીન પર આવેલા આરોપીએ ચાકુની અણીએ પત્નીનું અપહરણ કરી લૂંટ ચલાવી

By GS TEAM
20 Sep 20252 mins read
TukuTouch Logo
એકટીવા ઉપર અપહરણ કરી લઈ જતા સમયે રસ્તામાં ઉભેલી પોલીસવાનના કારણે યુવતીનો બચાવ થયો : પતિ પત્ની વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હોય સાથે લઈ જવા દબાણ કર્યું હતું

Summarized by AI; it may make mistakes. Check important info

હત્યાના ગુનામાં જેલમાંથી જામીન પર આવેલા આરોપીએ ચાકુની અણીએ પત્નીનું અપહરણ કરી લૂંટ ચલાવી

Bharuch Crime : અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે જામીન ઉપર જેલમાંથી બહાર આવેલ હત્યાના આરોપીએ છૂટાછેડા માંગતી પત્નીને ચાકુની અણીએ જબરજસ્તીથી ઉઠાવી જવાનો પ્રયાસ કરી મોબાઈલ ફોન અને સ્માર્ટવોચની લૂંટ ચલાવતા પોલીસે ફરિયાદના આધારે પતિ સહિત બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અંકલેશ્વરના હજાત ગામ ખાતે રહેતા 29 વર્ષીય દિવ્યાબેન વસાવા અંકલેશ્વરના પી.એચ.સી સબ સેન્ટરમાં નર્સ તરીકે સેવા આપે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, મે વર્ષ 2021માં રાકેશ જેસીંગભાઇ વસાવા (રહે-અંકલેશ્વર) સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્ન ત્રણ દિવસ બાદ પતિએ કોઈક કારણસર તરીયા ગામ ખાતે સતીશ વસાવા નામની વ્યક્તિની હત્યા કરતા જામીન મેળવી જેલમાંથી બહાર આવ્યા છે. અમારી વચ્ચે છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. ગઈ તા.18 સપ્ટેમ્બરના રોજ હું પીએચસી સબ સેન્ટર ખાતે બહાર ઉભી હતી. તે વખતે મારા પતિ રાકેશભાઈ એક યુવક સાથે એકટીવા લઈ મારી પાસે આવી પહોંચ્યા હતા. મારી સાથે વાત કરવાનો પ્રયાસ કરતા રાકેશને મેં કહ્યું હતું કે, આપણા બંને વચ્ચે કોર્ટમાં વાત કરવાની સંમતિ હોય જેથી હું કોર્ટમાં તારી સાથે વાત કરીશ. ત્યારબાદ શક્તિધામ મંદિરના કમ્પાઉન્ડમાં રાકેશે મને તેની એકટીવા ઉપર જબરજસ્તી બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. અને મારા હાથમાંથી મોબાઇલ ફોન તથા સ્માર્ટવોચ ઝૂંટવી લીધી હતી. મને નીચે પાડી ચાકુ બતાવી ધમકી આપી હતી કે, મારી સાથે પારડી ચાલ નહીં તો ચાકુ મારી દઈશ મને કોઈ ફરક નહીં પડે. તેમ કહી તમાચો માર્યો હતો. મને જબરજસ્તી એકટીવા ઉપર બેસાડી વાલીયા ચોકડી તરફ લઈ જતા મેં મારા બચાવ માટે બૂમાબૂમ કરી હતી. વાલીયા ચોકડીથી અંકલેશ્વર જીઆઇડીસી તરફ જવાના માર્ગ ઉપર પોલીસની વાન નજરે ચડતા અને એકટીવા ધીમી પડતા મેં હેમખેમ પોલીસની વાન પાસે જતી રહી હતી. અને આ બંને વ્યક્તિઓ નાસી છૂટ્યા હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે પતિ સહિત બે શખ્સો વિરુદ્ધ લૂંટ, અપહરણ, ધાક ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.