પાનોલીની નંદીની એગ્રો સેડ નેટ કંપનીમાં દરોડો : જુગાર રમતા કંપની માલિક સાથે નવ જુગારીઓ ઝડપાયા
Bharuch News : પાનોલી પોલીસે પાનોલી જીઆઇડીસીમાં નંદીની એગ્રો સેડ નેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં દરોડો પાડી જુગાર રમી રહેલા કંપની માલિક સાથે 9 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂ.5,18,600, 6 વાહનો તથા 10 મોબાઇલ ફોન સહિત કુલ રૂ.28,14,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પાનોલી પોલીસ ટીમે પાનોલી જીઆઇડીસીમાં પ્લોટ નં.એ-1/1102માં આવેલ નંદીની એગ્રો સેડ નેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બિલ્ડિંગમાં ઉપરના માળે દરોડો પાડી જુગાર રમી રહેલા નવ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં કંપનીના માલિક મેહુલ શંકરભાઈ પટેલ, દક્ષેશ અમૃતભાઈ પ્રજાપતિ, જયદીપસિંહ દિલીપસિંહ યાદવ, યોગેશ સીતારામ લિમ્બાલકર, ભદ્રેશ અનિલભાઈ પટેલ, અંકુર શાંતિભાઈ પટેલ, ખીરાસિંધુ ઉર્ફે અજય દુહકું પાંડે, સુરસંગ ઉર્ફે બાબુ જાયમલભાઈ પટેલ (તમામ રહે- અંકલેશ્વર) અને વિજય રણજીતભાઈ પરમાર (રહે-હાંસોટ) નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી અંગઝડતીના રોકડા રૂ.5,10,700 તથા દાવ ઉપરના રોકડા રૂ.7900 મળી કુલ રૂ.5,18,600, રૂ.96 હજારની કિંમતના 10 નંગ મોબાઈલ ફોન, 3 કાર, 3 ટુ-વ્હીલર સહિત કુલ રૂ.28,14,600નો મુદ્દામાલ જપ્ત કરી તમામની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.