Get The App

રાજકોટના આજી ડેમથી સાત ગણો મોટો ભાદર ડેમ છલકાયો

- શેત્રુંજી પછી સૌરાષ્ટ્રનો સૌથી મોટો 57 વર્ષ જૂનો ભડ ભાદર છે

- 19 દરવાજા ખોલાયા, નદીમાં પૂર, ગામોને એલર્ટ કરાયા

Updated: Sep 28th, 2021

GS TEAM

Google News
Google News
રાજકોટના આજી ડેમથી સાત ગણો મોટો ભાદર ડેમ છલકાયો 1 - image


રાજકોટ, જેતપુર, વિરપુર ગ્રામ્ય વિસ્તારનો પાણીનો,વિસ્તારનો સિંચાઈ પ્રશ્ન હલ  : રાજકોટને 33 વર્ષથી આ ડેમથી રોજ 4.5 કરોડ લિ. પાણી મળે છે, ગુરુકૂળ અને જ્યુબિલી ઝોનમાં વિતરણ 

રાજકોટ, : ગુજરાતની સ્થાપના ન્હોતી થઈ ત્યારે સૌરાષ્ટ્ર રાજ્ય વખતે ઈ.૧૯૫૬માં બનેલો અને લોકો જેને ભડભાદર કહે છે તે ભાદર-૧ ડેમ આજે બન્યા પછી ૨૪મી વાર છલકાયો છે. ભાવનગરના શૈત્રુંજી પછી રાજકોટ આસપાસના ૧૦ જિલ્લાઓમાં સૌથી મોટા ૩૪ ફૂટ ઉંડાઈના ભાદર ડેમ તેની ૬૬૪૦ એમ.સી.એફટી.ની ક્ષમતાએ પૂર્ણ ભરાઈ ગયા બાદ ઉપરવાસમાં ધોધમાર પાણીની આવક સાથે આજે સાંજે તેના ૧૯ દરવાજાઓ ખોલવામાં આવ્યા છે.

ભાદર ડેમમાંથી ધસમસતા નીર નદીમાં વહેવા લાગતા ગોંડલ અને જેતપુર તાલુકાના નદી આસપાસના ગામોને એલર્ટ રહવા, નદીમાં નહીં જવા ચેતવણી અપાઈ છે. હજુ ભારે વરસાદની આગાહી છે અને ડેમ છલકાઈ જતા ત્યારે ભાદર નદીમાં અતિ ભારે પૂર આવવાની સંભાવના જોવાઈ રહી છે. 

રાજકોટ મહાનગરપાલિકાએ ૩૩ વર્ષ પહેલાના દુષ્કાળ વખતે રાજકોટથી ભાદર વચ્ચે પાઈપલાઈન નાંખી હતી જ્યાંથી હાલ રોજ ૪.૫૦ કરોડ લિટર પાણી ઉપાડાય છે, તેમાં ૫૦ લાખ લિટર પાણી ગ્રામ્ય વિસ્તારની જૂથ યોજનાને અને ૪ કરોડ લિટર પાણી રીબડા ગામ પાસે આવેલા ફિલ્ટર પ્લાન્ટ  ખાતે ટ્રીટમેન્ટ કરીને શહેરના ઢેબરરોડ,ગોંડલરોડ આસપાસના  જ્યુબિલી અને ગુરુકૂળ ઝોનમાં તેનું વિતરણ થતું રહ્યું છે. 

આ ડેમમાં આશરે ૨૦૦૦થી ૨૨૦૦ એમ.સી.એફટી. પાણી પીવા માટે રિઝર્વ રખાય છે અને ૪૩૦૦ એમ.સી.એફટી. પાણી  આશરે ૨૬ હજાર હેક્ટર વિસ્તારમાં શિયાળુ કૃષિપાક માટે સિંચાઈની સુવિધા પૂરી પાડે છે તે રીતે ડેમનું અદકેરું મહત્વ છે. ભૂતકાળમાં મુખ્યમંત્રી પણ ડેમ છલકાય ત્યારે વધામણાં કરવા આવી ચૂક્યા છે. 

ભાદર ડેમ અને ભાદર નદીની ટેકનિકલ વિગતો  : ભાદર નદી જસદણ પંથકથી નીકળી પોરબંદર પાસે અરબી સમુદ્રને મળે છે  : 2434 ચો.કિ.મી. વિસ્તારમાં પડતું પાણી ડેમમાં આવે છે, નદી ઉપરના બે ડેમો, બન્ને ઓવરફ્લો  

સૌરાષ્ટ્રની સૌથી મોટી નદીઓ પૈકીની ભાદર નદી અને તેના પર બનેલા ભાદર ડેમની કેટલીક વિગતો પ્રસ્તુત છે. 

(૧) ભાદર નદી આશરે ૨૦૦ કિ.મી.લંબાઈ ધરાવે છે. જે સૌરાષ્ટ્રમાં મીન સી લેવલની દ્રષ્ટિએ ઉંચાઈ પર આવેલા જસદણ પંથકમાંથી નીકળે છે.  (૨) તેના પર ઈ.૧૯૬૪માં બનેલા ભાદર-૧ ડેમની ઉંડાઈ ૩૪ ફૂટ.  (૩) સંગ્રહશક્તિ ૬૬૪૪ એમ.સી.એફટી. (રાજકોટના આજી-૧ની ૯૩૦) (૪) ડેમ ઉપરનો પાળાની લંબાઈ ૩૭૭ મીટર છે. (૫) ભાદર નદીનો વિસ્તાર ૭૦૯૪ ચો.કિ.મી., ભાદર ડેમનો વિસ્તાર ૨૪૩૪ ચો.કિ.મી. (સરખાવો, રાજકોટ મહાનગરનો કૂલ વિસ્તાર ૧૬૩ ચો.કિ.મી. છે)  (૬) ભાદર ડેમના ઉપરવાસમાં કૂલ ૨૫ ઈંચ વરસાદ વરસ્યો છે.પરંતુ, જે તે સમયે તેનું લોકેશન યોગ્ય પસંદ કરાયું હોય ડેમ ભરાય છે.  (૭) આજી ડેમમાં સાડાસાત ફૂટ કાંપ ભરાયો છે, એટલી ઉંડાઈ ઘટી ગઈ છે ત્યારે ભાદરમાં માત્ર અર્ધો ફૂટનો કાપ છે.  (૮) ડેમ પૂરો ભરાય ત્યારે તેનો પથારો ૪૪ ચો.કિ.મી.માં હોય છે (૯)  ગોંડલ તાલુકામાં આવેલા ભાદર-૧ ડેમ પછી ભાદર નદી પર ઉપલેટા તાલુકામાં ભાદર-૨ ડેમ છે જે પણ ૧૭૦૦ એમ.સી.એફટી.નો (આજી કરતા ઘણો મોટ) છે અને આ બન્ને ડેમો ભરાઈ ગયા છે. (૧૦)  ભાદર નદી પોરબંદર પાસે અરબી સમુદ્રમાં મળે છે, બન્ને ડેમો ભરાયા પછી પાણી દરિયામાં જઈને ખારુ બની જાય છે. 

Tags :