આજુબાજુ ફટાકડાની દુકાન વચ્ચે વિવેકાનંદ કોલેજમાં ભણતા વિદ્યાર્થી છતાં દુકાન કે કોલેજ પાસે ફાયર NOC જ નહીં
કોલેજે પાંચ માળનુ બિલ્ડિંગ બનાવતા અગાઉ અપાયેલી એન.ઓ.સી.રદ કરાઈ હતી
અમદાવાદ,મંગળવાર,2 એપ્રિલ,2024
અમદાવાદના રાયપુર દરવાજા બહાર આવેલી વિવેકાનંદ કોલેજમાં
અંદાજે બે હજાર વિદ્યાર્થી અભ્યાસ કરે છે.કોલેજની આજુબાજુમાં ફટાકડાની દુકાન આવેલા
છે.કોલેજે અગાઉના બિલ્ડિંગમાં ફેરફાર કરી પાંચ માળનુ બિલ્ડિંગ બનાવતા ફાયર વિભાગ
તરફથી આપવામાં આવેલી એન.ઓ.સી.રદ કરાઈ હતી. હાલની સ્થિતિએ ફટાકડાના દુકાન કે કોલેજ
પાસે ફાયર વિભાગની એન.ઓ.સી. નહીં હોવાનુ ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે સ્વીકાર્યુ છે.
રાયપુર દરવાજા બહાર ફટાકડાની ત્રણ દુકાન ફાયર એન.ઓ.સી.વગર
ચાલતી હોવાની રજૂઆત બાદ ફાયર વિભાગ તરફથી તાત્કાલિક ધોરણે ફટાકડાનુ વેચાણ બંધ કરી
દુકાન ખાલી કરવા ૨૨ જુન-૨૦૨૩ના રોજ કલેકટરના હુકમ મુજબ સુચના આપવામાં આવી હતી.બીજી
તરફ વિવેકાનંદ કોલેજને લો રાઈઝ કેટેગરીમાં
ફાયર વિભાગ તરફથી આપવામાં આવેલી ફાયર એન.ઓ.સી.કોલેજનુ બિલ્ડિંગ ૨૪ મીટર હાઈરાઈઝ
કેટેગરીમાં બનાવાતા ૧૧ જાન્યુઆરી-૨૦૨૨ના રોજ ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે અગાઉ લો
રાઈઝ બિલ્ડિંગ માટે કોલેજને આપવામાં આવેલી ફાયર એન.ઓ.સી.રદ કરી હતી.આ અંગે
ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ કહયુ,
ફટાકડાંની દુકાનો કે વિવેકાનંદ કોલેજ પાસે ફાયર એન.ઓ.સી.નથી. આ અંગે ફાયર
વિભાગ તરફથી તમામ સંબંધિત સત્તાધીશોને જાણ પણ કરવામાં આવી છે.નોંધનીય છે કે, શહેરમાં એક પણ
એજયુકેશનલ ઈન્સ્ટીટયુટ ફાયર એન.ઓ.સી.વગરનુ નથી એવુ નિવેદન ફાયર વિભાગ તરફથી
કરવામાં આવ્યુ હતુ.