For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દોસ્તીમાં દગોઃ પેઢીમાંથી 50 લાખનું સોનું, 2 લાખ લઈ ભાગીદાર ફરાર

Updated: Sep 21st, 2022


રાજકોટની સોની બજારની પેઢીની ઘટના તીજોરી સાફ કરી આંખ દુઃખે છે તેવું બહાનું કરી પેઢીમાંથી જતો રહ્યો, ઘરેથી પણ ભાગી જતા શોધ-ખોળ

રાજકોટ, : રાજકોટના સોની બજાર મેઈન રોડ પર પીપળાવાળી શેરીનાં નાકે આવેલ કેશવ જ્વેલર્સનો ભાગીદાર રાજન મનુભાઈ ઠુમ્મર દુકાનમાંથી 50 લાખનું સોનુ અને 2 લાખ રોકડા લઈ ભાગી જતાં તેના વિરૂધ્ધ એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. જો કે, ઘરેથી તે નહી મળતા તેની પોલીસે શોધખોળ જારી રાખી છે. 

ગુંદાવાડી શેરી નંબર-૨૬માં રહેતા મિતેશભાઈ ચંદ્રકાન્ત પાટડીયા (ઉ.વ.૪૭)  એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ૨૦૧૯ની સાલમાં તેણે ૧૫ વર્ષ જુના મિત્ર રાજન સાથે કેશવ જ્વેલર્સ નામની પેઢી શરૂ કરી હતી. ૨૦૨૧માં ભાગીદારી ડીડ કરાવી હતી. તેની પેઢીમાં નવ માણસો સોની કામ કરે છે. મુખ્યત્વે વેપારીઓનાં ઓર્ડર પરથી દાગીના બનાવવાનું કામ તેની પેઢ ીકરે છે. વેપારીઓ ઓર્ડર માટે જે ફાઈન સોનુ આપતા તે અને હિસાબનાં રૂપીયા પેઢીમાં આવેલી તીજોરીમાં રાખતા હતાં.  તીજોરીનો લોક ખોલવા માટે એક નંબર રાખ્યો હતો. જે નંબર તે, ભાગીદાર રાજન  અને પેઢીમાં છેલ્લા વીસેક વર્ષથી કામ કરતો રાજેશ જયસુખ વાઘેલા એમ ત્રણ જણા જાણે છે. 

ગઈ તા. 13નાં રોજ રાત્રે તેણે પેઢી બંધ કરી હતી. તે વખતે કારીગરને દાગીના બનાવવા માટે આપેલ ફાઈન સોનુ અને પેઢીનાં સ્ટોકમાં રહેલ ફાઈન સોનુ ઉપરાંત હિસાબનાં રૂપીયા પેઢીની તીજોરીમાં રાખ્યા હતાં. બીજે દિવસે સવારે 8.30 વાગ્યે ભાગીદાર રાજન સાથે મળી તેણે પેઢી ખોલી હતી. તે વખતે અમુક ફાઈન સોનુ કારીગરોને દાગીના બનાવવા માંટે આપ્યું હતું. બાકીનું ૧૧૫૦ ગ્રામ ફાઈન સોનુ અને રૂા. 2 લાખ રોકડા તીજોરીમાં રહેવા દીધા હતાં. 

બપોરનાં ભાગીદાર રાજન પોતાની આંખ દુખે છે. દવા લેવા જાઉ છું તેમ કહી  પેઢીએથી નીકળી ગયો હતો. થોડીવાર બાદ તે પણ ઘરે જમવા માટે ગયા હતાં. ઘરે જમતા હતા તે વખતે પેઢીમાં કામ કરતા રાજેશ ઉર્ફે રાજુએ કોલ કરી તેને કહ્યું કે, તમે તત્કાળ પેઢીએ આવી જાવ. જેથી પેઢીએ પહોંચતા રાજેશ ઉર્ફે રાજુએ કહ્યું કે, કારીગરનું કામ પત્યાબાદ વધેલુ ફાઈન સોનુ તે તીજોરીમાં રાખવા જતો હતો ત્યારે જોયું તો તીજોરી ખાલી હતી. તીજોરીનાં નંબર તે, ભાગીદાર અને રાજુ ત્રણ જ જણા જાણતા હતાં. ભાગીદાર રાજન છેલ્લા બે મહિનાથી મોબાઈલ ફોન રાખતો ન હતો. જેથી તેના પિતા મનુભાઈનો સંપર્ક કરતા તેણે પુત્ર રાજન સવારે પેઢીએ જવા ઘરેથી નીકળી ગયા બાદ પરત નહી આવ્યાનું કહ્યું હતું.  ત્યારબાદ તેણે પોતાની રીતે ભાગીદાર રાજનની તપાસ કરી હતી. પરંતુ નહી મળતા આખરે તેના વિરૂધ્ધ ગઈકાલે રાત્રે એ-ડીવીઝન પોલીસ મથકમાં રૂા. ૫૨ લાખની ઠગાઈની ફરીયાદ નોંધાવી હતી.

Gujarat