વડોદરાના અકોટા સ્ટેડિયમમાં રમાશે ગરબા, 'બીટા ગરબા'ની રદ કરેલી મંજૂરી કોર્પોરેશને ફરી બહાલ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે આયોજિત "રાત્રી બી ફોર નવરાત્રી" કાર્યક્રમને લઈને થયેલા વિવાદ બાદ આખરે વડોદરા કોર્પોરેશને 'બરોડા આઇટી એસોસિયેશન' (બીટા ગરબા) ને મંજૂરી ફરી બહાલ કરી છે. મ્યુનિસિપલ કમિશનરના આ નિર્ણયથી આયોજકો અને ખેલૈયાઓમાં ખુશીની લહેર ફરી વળી છે.
શું હતો સમગ્ર મામલો?
ગત રાત્રે અકોટા સ્ટેડિયમના મેદાનમાં વરસાદના કારણે પડેલા ખાડાઓ પુરવા માટે કોર્પોરેશનના કર્મચારીઓ મટિરિયલ પાથરવા ગયા હતા. તે સમયે આયોજકો અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે તણાવ સર્જાયો હતો. આયોજકોએ કામ અટકાવ્યું અને કોન્ટ્રાક્ટરના ડ્રાઈવર સાથે મારપીટ કરી હોવાના આક્ષેપ થયા હતા. આ ઘટના બાદ કોર્પોરેશને પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આયોજક જીતેન્દ્ર પટેલ અને હરજીતસિંહ સોઢી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ તાત્કાલિક કડક વલણ અપનાવીને બીટા ગરબાની મંજૂરી રદ કરી હતી, જેના કારણે ખેલૈયાઓમાં ભારે નિરાશા જોવા મળી હતી.
કોર્પોરેશને કેમ નિર્ણય બદલ્યો?
નાગરિકોની લાગણી અને નવરાત્રિના પર્વના સન્માનને ધ્યાનમાં રાખીને વડોદરા કોર્પોરેશને આજે આયોજકોને ફરી મંજૂરી આપવાની જાહેરાત કરી છે. કોર્પોરેશનના જનસંપર્ક વિભાગે જણાવ્યું કે વડોદરા "સાંસ્કૃતિક અને કલાનગરી" તરીકે ઓળખાય છે, જ્યાં નવરાત્રિનું પર્વ ભારે ઉત્સાહથી ઉજવાય છે. લોકોની શ્રદ્ધા અને ખેલૈયાઓના ઉત્સાહને જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણયથી શહેરના હજારો ખેલૈયાઓમાં ઉત્સાહ ફરી પાછો ફર્યો છે, અને હવે તેઓ ધામધૂમથી નવરાત્રિની ઉજવણી કરી શકશે.









