Gujarat

સમુદ્ર તરણની 21નોટિકલ માઈલની સ્પર્ધામાં બંગાળી યુવક ચેમ્પિયન

By GS TEAM
25 Feb 20262 mins read
સમુદ્ર તરણની 21નોટિકલ માઈલની સ્પર્ધામાં બંગાળી યુવક ચેમ્પિયન

ચોરવાડથી વેરાવળના સમુદ્રમાં યોજાયેલી સ્પર્ધામાં 25  સ્પર્ધક જોડાયા : બહેનો માટે આદ્રીથી વેરાવળ સુધીની 16 નોટિકલ માઈલ તરણ સ્પર્ધામાં સુરતની યુવતી અવ્વલ રહી

જૂનાગઢ, : આજે ચોરવાડથી વેરાવળ અને આદ્રીથી વેરાવળ સુધી અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ચાર રાજ્યના યુવક-યુવતીઓ સહિત રપ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભાઈઓ માટેની 21 નોટિકલ માઈલની તરણ સ્પર્ધામાં બંગાળના યુવાને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે બહેનો માટેની આદ્રીથી વેરાવળ સુધીની 16 નોટિકલ માઈલની સ્પર્ધામાં સુરતની યુવતીએ અવ્વલ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વિજેતાઓને પ્રમાણપત્ર તેમજ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

રાજ્યના રમત-ગમત વિભાગ, જીલ્લા વહિવટી તંત્ર અને હરીઓમ આશ્રમ સુરત દ્વારા આજે વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી. ભાઈઓ માટે ચોરવાડ બીચથી વેરાવળ સુધીની 21 નોટિકલ માઈલ અને બહેનો માટે આદ્રી બીચથી વેરાવળ સુધીની 16 નોટિકલ માઈલની આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કઠીન અને સાહસીક આ સ્પર્ધામાં ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ રાજ્યના કુલ 32 સ્પર્ધકોની નોંધણી થઈ હતી. આજે આ સ્પર્ધામાં 18 ભાઈઓ અને 7 બહેનો મળી કુલ 25 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

ભાઈઓએ ચોરવાડ બીચ ખાતેથી સ્પર્ધાનો પ્રારંભ કર્યો હતો. સ્પર્ધક સાથે એક બોટ રાખવામાં આવી હતી. જેમાં મેનેજર, ગનમેન, લાઈફ ગાર્ડ પણ સાથે રહ્યા હતા. જ્યારે બહેનોએ આદ્રી બીચથી સ્પર્ધાનો પ્રારંભ કર્યો હતો. સવારે શરૂ થયેલી આ સ્પર્ધા બપોરે સંપન્ન થઈ હતી. સાંજે ઈનામ વિતરણ સમારંભ યોજાયો હતો. જેમાં ભાઈઓમાં પશ્ચિમ બંગાળના પ્રત્યાય ભટ્ટાચાર્યએ પ્રથમ, સુરતના યુગ સેલરે દ્વિતીય અને રાજકોટના ધ્રુવ ટાંકે તૃતિય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે બહેનોમાં સુરતની તાશા મોદીએ પ્રથમ, નાસીકની અનુજા ઉગ્લેએ દ્વિતીય અને બેંગ્લોરની પી. વૈન્યાશ્રીએ તૃતિય ક્રમ મેળવ્યો હતો. વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્ર તેમજ પુરસ્કાર એનાયત કરાયા હતા. યુવાનોમાં હિંમત અને સાહસ વિકસાવવા માટે દર બે વર્ષે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે પરંતુ તેમાં પુરતા પ્રચાર-પ્રસારના અભાવે સંખ્યા ઓછી રહે છે. જો આ સ્પર્ધા અંગેનો વધુ પ્રચાર-પ્રસાર થાય તો સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.