રિકન્સ્ટ્રક્શન પહેલા સ્વસ્થ આરોપીના કાનમાં કંઈક કહેતા લંગડાવા લાગ્યો
આંકલાવના નવાખલની બાળકીની હત્યાનો મામલો
પોલીસની કામગીરી સામે શંકા ઉપજાવતો વીડિયો વાઈરલ અગાઉ રાયોટિંગના ગુનાની ચીમકી પણ ઉચ્ચારી હતી
નવાખલ ગામની પાંચ વર્ષીય બાળકીનું અપહરણ કર્યા બાદ ગામના અજય પઢિયારે દુષ્કર્મ ગુજારી ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશને નદીમાં ફેંકી દીધી હતી. આંકલાવ પોલીસે અજય પઢીયારને ઝડપી ચાર દિવસના રિમાન્ડ તો મેળવ્યા છે પરંતુ, ગતરોજ આ બનાવના રિકન્સ્ટ્રક્શન વખતનો વીડિયો વાયરલ થયો છે. જેમાં અજય પઢિયાર લોકઅપમાંથી બહાર નીકળા સ્વસ્થ ચાલતો જોવા મળ્યો હતો પરંતુ, બે ડગલા ચાલ્યા બાદ પીએસઆઈ આરોપી પાસે પહોંચી કાનમાં કંઈક કહ્યા બાદ અજય પઢિયાર લંગડાતી ચાલે ચાલવા લાગે છે.
ત્યારે અચાનક પોલીસે એવું તે શું કહ્યું કે જેના કારણે સ્વસ્થ ચાલતો અજય પઢિયારે ચાલ બદલી નાખી ? તે પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ આંકલાવ પોલીસ મથકનો ઘેરાવો કરી વિરોધ કરતા ગ્રામજનોને ચિમકી ઉચ્ચારી રાયોટિંગનો ગુનો દાખલ કરવા પણ કહેવાયું હતું. ત્યારે હવે પોલીસનો એક નવો વીડિયો વાયરલ થતા કામગીરી સામે ગ્રામજનો દ્વારા શંકાઓ સેવામાં આવી રહી છે. વીડિયો મામલે અસલી પોલીસની નકલી કામગીરીની ચાડી ખાતી હોવાની ચર્ચાઓ સાથે ગ્રામજનોમાં છૂપો આક્રોશ જોવા મળી રહ્યો છે.
- આરોપીને કોઈની સમક્ષ નિવેદન ના આપવા કહ્યું હતું : પોલીસ વડા
આંકલાવ પોલીસનો વીડિયો વાયર થતા આણંદ જિલ્લા પોલીસ વડા જી.જી. જસાણીએ જણાવ્યું છે કે, પોલીસ અધિકારીની આ અંગે પૂછપરછ કરતા તેઓએ આરોપીને માત્ર મીડિયા સમક્ષ કંઈ નિવેદન ના આપવા કહ્યું હોવાનું જણાવ્યું છે.