ચોમાસા પૂર્વે કોર્પો. દ્વારા વરસાદી ગટરોની ૫૦% કેચપીટોની સફાઇ
મે મહિનાના અંત સુધીમાં સફાઇની બાકી કામગીરી પણ પૂર્ણ થઇ જશે
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં ચોમાસા અગાઉની કામગીરીના ભાગરૃપે શહેરના તમામ ઝોનમાં હાલ વરસાદી ગટરની સફાઇની કામગીરી ચાલુ છે. વડોદરા શહેરમાં આશરે ૨૮૦૦૦ જેટલી વરસાદી ગટરની કેચપીટો છે. તે પૈકી ૫૦% કરતા વધારે કેચપીટોની સફાઇની કામગીરી કરવામાં આવેલ છે.
વરસાદી ગટરમાંથી મચ્છરો બહાર નીકળી ત્રાસ ન ફેલાવે તે માટે અગાઉ ગટરની કેચપીટ ઉપર પ્લાસ્ટીકની થેલીઓ ઢાંકી દેવામાં આવી હતી. આ થેલીઓ વરસાદી પાણીના નિકાલમાં અંતરાયરૃપ ન બને તે માટે દૂર કરવામાં આવેલ છે. બાકીની વરસાદી ગટર સફાઇની કામગીરી મે માસના અંત સુધીમાં પુરી કરવામાં આવશે, એટલું જ નહીં જે વરસાદી ગટરની જાળી ઉપર પ્લાસ્ટીક કાઢવાના બાકી છે તે પણ ટૂંક સમયમાં દુર કરવામાં આવશે, તેમ કોર્પોરેશન દ્વારા જણાવાયું છે. વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ નેતાએ પણ કહ્યું હતું કે વરસાદી ગટરોની સફાઇના અભાવે પાણી ભરાય છે. કારણ કે વરસાદી ગટરનો ઉપયોગ ડ્રેનેજ સિસ્ટમ તરીકે થાય છે, અને જ્યારે વરસાદ પડે છે, ત્યારે ડ્રેનેજનું પાણી ઓવરફલો થઇ વરસાદી પાણીના ભરાવા સાથે ભળી જતા ગંદકી વકરે છે, અને તેમાંથી આરોગ્યલક્ષી પ્રશ્નો ઊભા થાય છે.