Get The App

અપીલ સબ કમિટી સમક્ષ લાંચકાંડમાં ઝડપાયેલ ફાયર જમાદારે ફરજ ઉપર હાજર કરવા અપીલ કરી

ફાયર એન.ઓ.સી.માટે ૧૫ હજારની લાંચ લેવાના પ્રકરણમાં ડિસમીસ કરાયા હતા

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
અપીલ સબ કમિટી સમક્ષ લાંચકાંડમાં ઝડપાયેલ ફાયર જમાદારે ફરજ ઉપર હાજર કરવા અપીલ કરી 1 - image

     

  અમદાવાદ, સોમવાર,12 જાન્યુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અપીલ સબ કમિટી સમક્ષ વર્ષ-૨૦૨૨ના લાંચકાંડમાં એ.સી.બી.ની ટ્રેપમાં ઝડપાયેલ ફાયર જમાદાર એરીક રીબેલોએ નોકરીમા ફરી ફરજ ઉપર હાજર કરવા અરજી કરી છે. ફાયર એન.ઓ.સી. આપવા માટે રુપિયા ૧૫ હજારની લાંચ માંગવાના કેસમાં તત્કાલિન ફાયર અધિકારી મનીષ મોઢની સાથે રીબેલોને પણ  નોકરીમાંથી સસ્પેન્ડ કરવામા આવ્યા હતા.

કોર્પોરેશન વહીવટીતંત્રમાં અપીલ સબ કમિટી અસ્તિત્વ ધરાવે છે. આ કમિટીમાં  નોકરીમા સતત ગેરહાજર રહેનારા, દારુ પીને ગેરવર્તણૂંક કરનારાથી લઈ લાંચ લેનારા અધિકારીઓ અને કર્મચારીઓ તેમની સામે આક્ષેપ પુરવાર થયા હોવા છતાં પણ ફરીથી નોકરીમા લેવા દયાની અરજી કરે છે અને રાજકીય દબાણ લાવી  જે તે ખાતામા કર્મચારી કે અધિકારી પાછા હાજર પણ કરી દેવામા આવતા હોય છે. એરીક રીબેલોનો કેસ પણ એવો જ છે. એ.સી.બી.ની ટ્રેપમાં લાંચ લેતા ઝડપાઈ જવા ઉપરાંત એ.સી.બી.એ થોડા સમય સુધી પુછપરછ માટે રાખ્યા હતા.તેવા ફાયર વિભાગના જમાદારની અરજી  અપીલ સબ કમિટી મંજુર કરશે તો ત્રણ વર્ષ પછી ફરી તે નોકરીમાં હાજર થશે.