Gujarat

ટ્રકમાં બેટાટાની ગુણીની આડમાં છુપાવેલો રૃ.18.25 લાખનો બિયર ઝડપાયો

By GS TEAM
30 Jun 20252 mins read
ટ્રકમાં બેટાટાની ગુણીની આડમાં છુપાવેલો રૃ.18.25 લાખનો બિયર ઝડપાયો

હળવદના દેવળિયા ગામ નજીક એસએમસીનો દરોડો

બિયર, ટ્રક સહિત રૃ.૨૮.૩૭ લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનનો ચાલક ઝડપાયો ઃ બિયરનો જથ્થો કચ્છના કેરા જતો હતો

હળવદમોરબી જિલ્લામાં સ્થાનિક પોલીસની નિરશતાને પગલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ રવિવારે રાત્રીના હળવદ-માળીયા હાઈવે પર આવેલા દેવળીયા પાટિયા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બટેટાની ગુણીઓની આડમાં છુપાવી લઇ જવાતા ૧૮.૨૫ લાખનો બીયરનો જથ્થો ઝડપી લઈને ટ્રક સહિત ૨૮ લાખથી વધુના મુદામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી લઈને મુદામાલ હળવદ પોલીસને સોપવામાં આવ્યો છે.

હળવદ સ્થાનિક પોલીસની અને જિલ્લાની કામગીરી અસરકારક રહી ના હોય જેથી દારૃની રેડ માટે એસએમસીની ટીમ અવારનવાર દરોડા કરતી રહે છે. અગાઉ મોરબીના રાજપર અને ટંકારા સહિતના પંથકમાં એસએમસીની ટીમે રેડ કરી દારૃનો મોટો જથ્થો ઝડપી લીધો છે. ત્યારે રવિવારે રાત્રીના એસમએમસીની ટીમને બાતમી મળી હતી કે  હળવદ માળીયા હાઈવે (અમદાવાદ-ભુજ કચ્છ) પર બટેટાની ગુણીઓ નીચે બિયરનો જથ્થો છુપાવી હેરાફેરી કરવામાં આવે છે. જેથી એસએમસીની ટીમે હળવદના દેવળિયા ગામ નજીક ટ્રકને આંતરી લીધો હતો. ટ્રકમાં બટેટાની ગુણીઓની આડમાં બિયરનો જથ્થો છુપાવી રાખ્યો હતો.

એસએમસી ટીમે ટ્રકમાંથી બિયરના ૮૨૯૮ ટીન (કિં.રૃ.૧૮,૨૫,૫૬૦), ટ્રક (કિં.રૃ.૧૦ લાખ), મોબાઈલ (કિં.રૃ.૧૦,૦૦૦) અને રોકડ (રૃ.૧,૯૦૦) સહિત કુલ રૃ.૨૮,૩૭,૪૬૦નો મુદામાલ જપ્ત કરી આરોપી ટ્રક ચાલક મુકેશ પુનામાંરામ જગનું (રહે રાજસ્થાન)ને ઝડપી લીધો છે. ટ્રક ચાલક વિરૃદ્ધ અગાઉ ટંકારા પોલીસ મથક અને લોધિકા પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુના નોંધાઈ ચૂકયા છે. અન્ય આરોપી બિયરના જથ્થાની સપ્લાય કરનાર ડી.એસ.જાસોલના નામ અને મોબાઈલ નંબર તેમજ બે અજાણ્યા વ્યક્તિ, ટ્રક માલિક, ટ્રકના ફાસ્ટટેગ ધારક અને બિયરનો જથ્થો મંગાવનાર સહિતના આરોપીઓ વિરૃદ્ધ ગુનો નોંધી મુદામાલ હળવદ પોલીસ મથકમાં સોંપી ટીમે વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોમાં  મળતી માહિતી મુજબ આ માલ કચ્છના કેરા ખાતે જઇ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.