જામનગર શહેરના જુદા-જુદા ત્રણ પોલીસ સ્ટેશન હેઠળના રૂપિયા 43.62 લાખની કિંમતના બીયર અને ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરાયો
Jamnagar Police : જામનગર શહેરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ સી. ડિવિઝન પોલીસ સ્ટેશન ઉપરાંત બેડી મરીન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો રૂપિયા 46.62 લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો, કે જેનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો, અને તેના પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.
જામનગરના સિવિલ એરપોર્ટની નજીક સરકારી ખરાબાની ખુલ્લી જગ્યામાં આજે સવારે શહેર વિભાગના પ્રાંત અધિકારી પી.બી.પરમારની રાહબરી હેઠળ સમગ્ર દારૂ અને બિયરના જથ્થા નો નાશ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં નશાબંધી શાખાના અધિકારી, ઉપરાંત જામનગર શહેરના સીટી એ. ડિવિઝન અને સી. ડિવિઝન ઉપરાંત બેડી મરીન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા, તેઓની હાજરીમાં તમામ દારૂ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
ત્રણેય પોલીસ સ્ટેશન હેઠળ પકડી પાડવામાં આવેલા 8128 નંગ મોટી ઇંગ્લિશ દારૂની બાટલી, 2,474 નાની બોટલો અને 2096 નંગ બિયરના ટીન વગેરે સહિત 12,698 નંગ ઇંગ્લિશ દારૂ અને બિયરની બોટલો અને ટીન સહિતના જથ્થા પર આજે સવારે 10.00 વાગ્યાના અરસામાં બુલડોઝર ફેરવી દેવાયું હતું. અને કુલ 46,62,478 ની કિંમતના દારૂ બિયરના જથ્થાનો સંપૂર્ણપણે જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો.