સુરત નવી સિવિલમાં બેડની સમસ્યા નથીઃ કુલ 2374 બેડ સામે 770 બેડ ખાલી
સિવિલમાં 1579 દર્દી દાખલ છેઃ સુરતમાં કેસો વધતા માઇક્રો પ્લાનીંગથી કામગીરી શરૃ કરાઇ છેઃ મિલિન્દ તોરવણે
સુરત,તા. 15 જુલાઇ, 2020,બુધવાર
સુરતમાં
કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે વહીવટીતંત્રમાં ચાલી રહેતી તૈયારીઓ વચ્ચે ખાસ ફરજ પરના
અધિકારી મિલિન્દ તોરવણેના જણાવ્યા મુજબ નવીસિવિલમાં બેડ ઉપલબ્ધ નહીં હોવાની કોઇ સમસ્યા
નથી. હાલમાં 770 બેડ ખાલી છે. અને આગામી
દિવસોમાં તબક્કાવાર કિડની હોસ્પિટલમાં 800 અને સ્ટેમ સેલમાં 795 વ્યવસ્થા ઉભી થશે.
સુરતમાં કોરોનાનો જે રીતે વિસ્ફોટ થઇ રહ્યો છે. તે જોતા આગામી દિવસોમાં કોરોનાના દર્દીઓને સારવારમાં કોઇ મુશ્કેલી નહીં પડે તે માટે માઇક્રો પ્લાનીંગ થી કામગીરી થઇ રહી હોવાની સાથે તકેદારી પણ રાખવામાં આવી રહી છે. આ અંગે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં ખાસ ફરજ પરના અધિકારી મિલિન્દ તોરવણેએ જણાવ્યુ હતુ કે સુરતમાં કોરોનાના પોઝીટીવ દર્દીઓ માટે કુલ બેડની સંખ્યા ૨૩૭૪ છે. જેમાંથી હાલ ૧૫૭૯ દર્દીઓ એડમીટ છે.સિવિલ કેમ્પસમાં બની રહેલી કિડનીની હોસ્પિટલમાં તબક્કાવાર ૧૫ ઓગસ્ટ સુધીમાં ૮૦૦ બેડની વધારાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ સ્ટેમ સેલમાં પણ ૨૦ જુલાઇ સુધીમાં તબક્કાવાર વધારાની ૭૯૫ બેડ ની વ્યવસ્થા કરી દેવામાં આવશે. સમરસ હોસ્ટેલમાં ૫૦૦ બેડની ક્ષમતા છે. જેમાંથી ૧૨૫ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. વધારાની વ્યવસ્થા તરીકે માલીબા કેમ્પસમાં ૫૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોમ્યુનિટી કોવીડ ના સાત સેન્ટરોમાં ૭૫૦ બેડ છે. અને ૬૨૫ વધારી શકાય તેમ છે.
સુરતમાં કોરોનાના દર્દીઓનો જે રીતે વધારો થઇ રહ્યો છે. તે જોતા દરેક દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ નવીસિવિલ હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નહીં હોવાની કોઇ પણ પ્રકારની સમસ્યા નથી. હાલમાં ૭૭૦ બેડ ઉપલબ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં સુરત માટે વધુ ૫૦ ટોસિલીઝુમાબ ઇન્જેકશન મળશે. આ ઇન્જેકશન માટેની કોઇ અરજી પેન્ડીગ નથી.
બીજાને ચેપ નહીં લાગે તે માટે શંકાસ્પદ દર્દીના મૃત્યુ વખતે પણ એટલી જ તકેદારી રાખવી જરૃરી છે
કોરોનાના કેસમાં ધાર્યા કરતા વધુ મૃત્યુ થયા હોવા છતા તંત્ર દ્વારા આંકડા છુપાવાઇ રહ્યા છે. આ વિશે મિલિન્દ તોરવણે જણાવ્યુ હતુ કે હકીકતમાં બીજાને ચેપ નહીં લાગે તે માટે શંકાસ્પદ દર્દીના મૃત્યુ વખતે પણ એટલી જ તકેદારી રાખવામાં આવે છે. કો-માર્બિડ અને શંકાસ્પદ દર્દીઓના મૃત્યુ પણ કોવીડ-૧૯ દર્દીના મૃત્યુની જેમ જ પ્રોટોકલ જાળવવામાં આવે છે. એક ડેથ સમિતી બનાવાઇ છે. અને ધી ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ (આઇસીએમઆર) ની ગાઇડલાઇન મુજબ જ કોરોનાના દર્દીના મૃત્યુની જેમ જ પ્રોટોકોલ જાળવવામાં આવે છે જેથી ગેરસમજ ઉભી થાય છે.