વડોદરા: પારસી બની પ્રોપર્ટી ખરીદી, મુસ્લિમ બની વેચવાનો વિવાદ... તાંદલજાના રહીશોનો ઉગ્ર વિરોધ
વડોદરા, તા. 23 સપ્ટેમ્બર 2020 બુધવાર
વડોદરા સંવેદનશીલ તાંદલજા વિસ્તારમાં મુસ્લિમ ને પ્રોપર્ટી વેચવા ના બહુચર્ચિત વિવાદમાં આજે સોસાયટીના રહીશો દ્વારા ખુલ્લા પ્લોટમાં મીટીંગ રાખી ઉગ્ર વિરોધ કરીને સોસાયટીનો તાંદલજા તરફનો ગેટ બંધ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.
તાંદલજા વિસ્તારની સમર્પણ સોસાયટીમાં ફિરોજ કોન્ટ્રાક્ટર નામના શખ્સે પારસી તરીકે પ્રોપર્ટી ખરીદવા બાદ મુસ્લિમ તરીકે પોતાને દર્શાવી મુસ્લિમ વ્યક્તિને પ્રોપર્ટી વેચતા સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે પોલીસે ફિરોજ કોન્ટ્રાક્ટર સામે ગુનો પણ નોંધ્યો છે. સોસાયટીના લોકોએ તાંદલજા તરફનો ગેટ પણ બંધ કરી દીધો છે.
બીજી તરફ સોસાયટીમાં મકાન ખરીદનાર વ્યક્તિ સહિત કેટલાક લોકો દ્વારા ગેટ ખોલવા માટે માગણી કરી વિરોધ કરવામાં આવતા સોસાયટીમાં બે જૂથ પડી ગયા છે.
આજે સવારે સમર્પણ સોસાયટીના રહીશોએ સોસાયટીની મીટીંગ બોલાવી ગેટ બંધ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. સોસાયટીના હોદ્દેદારો ના જણાવ્યા પ્રમાણે, સોસાયટીના નકશામાના ગેટ દર્શાવવામાં આવ્યો ન હતો. જેથી આ ગેટનો કોઈ અર્થ રહેતો નથી.