Get The App

યાત્રાધામ બહુચરાજીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો: ગુજરાત સરકારનું જાહેરનામું

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
યાત્રાધામ બહુચરાજીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો: ગુજરાત સરકારનું જાહેરનામું 1 - image


Bechar Bahuchraji Municipality : રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર બહુચરાજીને હવે ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

મહેસાણા જિલ્લામાં આવેલા બેચર-બહુચરાજી ગ્રામ પંચાયતના સ્થાનિક વિસ્તારને હવેથી નાના શહેરી વિસ્તાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આ નિર્ણયની સાથે જ બહુચરાજી હવેથી 'બેચર-બહુચરાજી મ્યુનિસિપાલિટી' તરીકે ઓળખાશે અને કાર્યરત થશે.
યાત્રાધામ બહુચરાજીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો: ગુજરાત સરકારનું જાહેરનામું 2 - image

શહેરી વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, 'ગુજરાત મ્યુનિસિપાલિટીઝ ઍક્ટ,(1964નો ગુજરાત 34) 1963'ની કલમ 5(2) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્ય સરકારે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ જાહેરનામું આજરોજ, એટલે કે 17 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવ્યું છે.

જાહેરનામામાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બેચર-બહુચરાજી નગરપાલિકાના સ્થાનિક વિસ્તારમાં આવેલી સરકારી જમીનોનો સમાવેશ નગરપાલિકામાં કરવામાં આવશે નહીં, તે રાજ્ય સરકાર હસ્તક જ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, યાત્રાધામના ધાર્મિક અને આર્થિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને સુનિયોજિત વિકાસ માટે રાજ્ય સરકારે ઑક્ટોબર 2023માં 'બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી(BADA)'ની રચના કરી હતી. બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય એ દિશામાં એક મહત્ત્વનું પગલું માનવામાં આવે છે. આ નિર્ણયથી સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોને વધુ વેગ મળશે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે.


Tags :