રીંગ રોડના સેન્ટ્રલ ડિવાઈડર વચ્ચેની જગ્યામાં બ્યુટીફીકેશન માટે રૂા. 1.32 કરોડનો ખર્ચ કરાશે
- આજે મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં કુલ 18 કામના ઠરાવને મંજૂરી અપાશે
- કરચલીયા પરા વોર્ડમાં વિવિધ સ્થળોએ પેવર રોડ તથા આરસીસી રોડ બનાવવા સહિતના વિકાસ કામ માટે રૂા. 2.44 કરોડનો ખર્ચ થશે
મહાપાલિકા હોલ ખાતે આવતીકાલે શનિવારે સાંજે પ કલાકે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને બંધ બારણે મળશે. સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં કુલ રૂા. ર,૪૪,ર૯,૯૧પ કામોને મંજૂરી અપાશે, જેમાં સીદસર-૪પ મીટર રીંગ રોડના સેન્ટ્રલ ડિવાઈડર વચ્ચેની જગ્યામાં બ્યુટીફીકેશન કરાવવાના કામ માટે રૂા. ૧,૩ર,૯૬,૪ર૪, કરચલીયા પરા વોર્ડમાં વિવિધ સ્થળોએ પેવર રોડ તથા આરસીસી રોડ બનાવવાના કામ માટે રૂા. ૭૪,૪૯,૦રર અને કરચલીયા પરા વોર્ડમાં વિવિધ સ્થળોએ પેવર રોડ બનાવવાના કામ માટે રૂા. ૩૬,૮૪,૪૬૯ નો ખર્ચ કરાશે.
ઉપરાંત તિલકનગર વિસ્તારમાં આવેલ એક રહેણાંકીય હેતુથી લીઝપટ્ટાની મુદ્દત રીન્યુઅલ કરવાની મંજૂરી આપવી સહિતના જુદા જુદા કામના કુલ ૧૮ ઠરાવને મંજૂરી આપવા નિર્ણય કરાશે. સ્ટેન્ડિંગ કમિટિમાં તમામ ઠરાવ અંગે સભ્યો ચર્ચા કરશે અને ત્યારબાદ યોગ્ય ઠરાવને બહાલી આપાશે. આ બેઠકમાં પડતર પ્રશ્ને ચર્ચા કરાશે અને જુદા જુદા કામ અંગે અધિકારીઓને સૂચના આપવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
વર્ટીકલ ગાર્ડન બનાવવાનુ કામ એજન્સીને ન પોસાતા ટેન્ડર રદ્દ કરાશે
ભાવનગર મહાપાલિકા હસ્તકની વિવિધ મિલ્કતોમાં વર્ટીકલ ગાર્ડન બનાવવાનુ તથા બે વર્ષ સુધી મેન્ટેન કરવા માટે કામ એજન્સી ચામુંડા ગ્રીન કન્સ્ટ્રક્શનને તેની સંમતિથી આપવામાં આવ્યુ હતુ પરંતુ હવે એજન્સીને ગાર્ડન મેઇન્ટેઈન કરવાનુ કામ બે વર્ષના સમયગાળા માટે આર્થિક રીતે પોસાય તેમ ના હોવાથી અસહમતી દર્શાવેલ છે. આ એજન્સીને કામ ફાળવવાનુ રહેતુ ન હોવાથી ટેન્ડર રદ્દ કરવાનુ તથા આ કામ અંગે રી-ટેન્ડર કરવાનુ રહે છે, તેની હકીકત જાહેર કરાશે.
હર ઘર તિરંગા કાર્યક્રમમાં 50 હજાર સ્ટીક ખરીદવા રૂ. ર.2.62 લાખનો ખર્ચ કરાયો
ભાવનગર મહાપાલિકાને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બામ્બુ સ્ટીકની જરૂરિયાત ઉભી થતા બામ્બુ સ્ટીક વેપારી ટોકલે ટીમ્બર્સ પાસેથી એક બામ્બુ સ્ટીકના રૂ. પ લેખે પ૦ હજાર નંગ સ્ટીક ખરીદતા રૂા. ર,૬ર,પ૦૦ નો ખર્ચ થયો છે. આ ખર્ચ ચૂકવવા કમિશનરે મંજૂરી આપી છે તેની હકીકત જાહેર કરાશે. મહાપાલિકાની આર્થિક સ્થિતી ખરાબ છે ત્યારે આવા ખર્ચા ન કરવા જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.