મારી સાથે સંબંધ રાખ, નહીંતર તારા ફોટા વાયરલ કરી બદનામ કરીશ
રાજકોટની ત્યક્તાને મિતાણા રહેતા પૂર્વ પ્રેમી દ્વારા ધમકી : આરોપીના ભાઈએ પણ ફોન ઉપર આરોપીએ ગાળો ભાંડી, થોરાળા પોલીસ દ્વારા ધમકી આપનારાને ઝડપી લેવા તજવીજ
રાજકોટ, : રાજકોટમાં રહેતી એક ત્યક્તાએ પ્રેમસંબંધ તોડી નાખતા તેને અને પુત્રીને જાનથી મારી નાખવાની અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપવા અંગે મિતાણાના ઉર્વેશ રમેશ ગજેરા અને તેના ભાઈ નિખીલ વિરૂધ્ધ થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
26 વર્ષની ત્યક્તાએ પોલીસને જણાવ્યું કે હાલ તે ઘરે ઇમીટેશનનું કામ કરી ગુજરાન ચલાવે છે. પાંચેક વર્ષ પહેલા તેના પિતાને સ્ટેશનરીના કામ બાબતે ઉર્વેશ સાથે ઓળખાણ થતા અવારનવાર તેના ઘરે આવતો હતો. એટલું જ નહીં તેની મોટી બહેનને ધર્મની બહેન બનાવી રાખડી બંધાવતો હતો. જેને કારણે તેની સાથે પરિચય થતા મોબાઈલ નંબરની આપ-લે થઇ હતી. જેના ઉપર બંને અવારનવાર વાતચીત કરતા હતા. એટલું જ નહીં મળતા પણ હતા.
ત્યારબાદ તેના લગ્ન નવાગામમાં થયા હતા. દાંપત્યજીવન દરમિયાન પુત્રીની પ્રાપ્તિ થઇ હતી. પતિ સાથે અવારનવાર ઝગડા થતાં માતા સાથે રહેવા આવી ગઇ હતી. ત્રણ વર્ષ પહેલા પતિથી છૂટાછેડા પણ લઇ લીધા હતા. બાદમાં ઉર્વશે તેને ફરીથી ફોન કરવાનું શરૂ કર્યું હતું. ઉર્વેશ સામે પોલીસ ફરિયાદ થતાં સંબંધ તોડી નાખ્યો હતો. તેની સાથે વાતચીત પણ બંધ કરી હતી.
જેથી ઉર્વેશ સંબંધ રાખવા અવારનવાર ફોન કરતો હતો. એટલું જ નહીં પોતાના મોબાઈલમાં બંનેના ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી ગાળો પણ ભાંડતો હતો. આ ઉપરાંત તેને અને તેની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. ગઇ તા. 2ના રોજ ઉર્વેશના ભાઈ નિખીલે કોલ કરી તેને બેફામ ગાળો ભાંડી હતી. જેથી આખરે બંને ભાઈઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીઓની ધરપકડ કરવા પ્રયાસો ચાલુ રખાયા છે.