Gujarat

સસ્તી મળતી ચીજ લેતા પહેલાં ચેતજો, માધુપુરામાં ભેળસેળવાળી હળદર,કાજુના ટુકડાનો ૩૯૦૦ કિલો જથ્થો સીઝ કરાયો

By GS TEAM
11 May 20262 mins read
સસ્તી મળતી ચીજ લેતા પહેલાં ચેતજો, માધુપુરામાં ભેળસેળવાળી હળદર,કાજુના ટુકડાનો ૩૯૦૦ કિલો જથ્થો સીઝ કરાયો

અમદાવાદ,સોમવાર,11 મે, 2026

અમદાવાદના માધુપુરામાં આવેલા અવિનાશ મસાલા ગોડાઉનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા તપાસ કરાઈ હતી. તપાસ દરમિયાન ભેળસેળવાળી ૨૫૦૦ કિલો હળદર અને ૧૪૦૦ કિલો કાજુ ટુકડા એમ કુલ મળી ૩૯૦૦ કિલો જથ્થો સીઝ કરાયો હતો.આ જથ્થાની અંદાજિત કિંમત રુપિયા ૯.૯૦ લાખ જેટલી થાય છે.બંનેના સેમ્પલ લઈ કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. હળદરનુ સેમ્પલ અનફીટ આવ્યુ હોવાનુ આરોગ્ય અધિકારી ડોકટર તેજસ શાહે કહયુ છે. હળદરના સેમ્પલમાં સ્ટાર્ચનુ પ્રમાણ ૮૪.૮ ટકા જેટલુ અસામાન્ય વધુ જોવા મળ્યુ હતુ.ઉપરાંત બહારથી પણ સ્ટાર્ચયુકત પદાર્થની ભેળસેળ થયેલી જણાઈ હતી.કાજુનુ સેમ્પલ હજુ આવવાનુ બાકી છે. બજારમાં જે હળદર રુપિયા ૩૦૦થી ૪૦૦ના ભાવથી મળે છે તે ભેળસેળ કરી સસ્તામા વેચાતી હોવાની આશંકા વ્યકત કરાઈ છે.વેપારી પાસે લાઈસન્સ પણ ઉપલબ્ધ નહતુ.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, જુના માધુપુરામાં આવેલા અવિનાશ મસાલા ગોડાઉનમાં  આરોગ્ય વિભાગે ૮મેના રોજ તપાસ કરી હતી.આ સમયે સ્થળ ઉપરથી અંદાજે પાંચ લાખની કિંમતનો હળદરનો તથા કાજુ ટુકડાનો રુપિયા ૪.૯૦ લાખની કિંમતનો જથ્થો શંકાસ્પદ જણાતા સીઝ કરવામાં આવ્યો હતો.ફૂડ સેફટી એકટની જોગવાઈ મુજબ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલવામા આવ્યા હતા.૧૧ મેના રોજ કોર્પોરેશનની લેબોરેટરીમાંથી મળેલા રીપોર્ટ મુજબ,સામાન્ય રીતે સુકી હળદરમાં સ્ટાર્ચ,કાર્બોહાઈડ્રેટનુ પ્રમાણ અંદાજે ૪૦થી ૬૦ ટકા સુધી હોય છે.ઉપરાંત સેમ્પલમાં ધંઉના લોટ અન ચણાના લોટ(બેસન)નુ મિશ્રણ પણ હોવાથી હળદરના સેમ્પલને ભેળસેળયુકત અથવા નબળી ગુણવત્તાવાળી હળદર ગણાવી શકાય.જથ્થો સીઝ કર્યા પછી આગામી સમયમાં એડજયુકેટીંગ ઓથોરીટી સમક્ષ કાર્યવાહી કરવામા આવે એવી સંભાવના છે.