Baroda Cricket Association : વડોદરા શહેરના છેવાડે નવા બનાવાયેલા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાની વનડે મેચ આગામી તા.11મીએ રમાશે. બે દિવસ ગણતરીની મિનિટોમાં ટિકિટો વેચાઈ જવા સહિત હવે ક્રિકેટ મેચ જોવા અંગે બરોડા ક્રિકેટ એસોસિએશનના મેમ્બરોએ પણ મેચ જોવા ફ્રી પાસ મેળવવા માટે જાતજાતની લાગવગ લગાવવા સહિત બીસીએની ઓફિસે લાઈનો લગાવી દીધી હતી.
બીસીએના પ્રત્યેક મેમ્બરને પાસ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેડિયમમાં નાસ્તા પાણી અને ભોજન સહિત પાર્કિંગના પાસ આપવામાં આવ્યા છે. જ્યારે આ અંગે કેટલાક સભ્યોએ ભલામણ પત્ર પણ લાવીને પાસ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. બીસીએના મેમ્બરોને પાસ આપવા છતાં પણ તેમણે વધુ પાસ મળે તો પરિવારજનો પણ ક્રિકેટ મેચ જોવાનો લાભ લઈ શકે તેવી રજૂઆત કરી હતી. પરંતુ બીસીએ દ્વારા જણાવ્યું હતું કે જો આવી રીતે વહેંચણી કરવામાં આવે તો અવ્યવસ્થા ફેલાઈ શકે છે. જેથી માત્ર બીસીએના મેમ્બરને જ એન્ટ્રી પાસ, પાર્કિંગ સહિત તેમના માટે ભોજન અને નાસ્તા પાણીની પણ વધારાની સગવડ કરવામાં આવી હોવાનું બીસીએ દ્વારા જણાવ્યું હતું.


