વડોદરા : બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના વહીવટ પર કબજો જમાવવા માટે ખેલાઈ રહેલા સત્તાના સંગ્રામમાં આજે ફોર્મ ચકાસણીના દિવસે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આગામી ૧૫ ફેબુ્રઆરીના રોજ યોજાનારી આ પ્રતિષ્ઠિત ચૂંટણી માટે આજે ૨૦ જાન્યુઆરીએ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેકનિકલ કારણોસર અને સસ્પેન્શનના મુદ્દે બે મહત્વના ઉમેદવારોના કુલ સાત ફોર્મ રદ થતા ચૂંટણી મેદાનમાં હવે ૧૫૮ ઉમેદવારો બાકી રહ્યા છે. બીસીએની કુલ ૩૧ પોસ્ટ માટે થયેલી આ ભારેખમ ઉમેદવારી સૂચવે છે કે આ વખતની જંગ અત્યંત રસાકસીભરી બની રહેશે.
આજની ચકાસણીમાં સૌથી મોટો ફટકો સત્યમેવ જયતે ગૃપના પરાગ પટેલને
પડયો છે. પરાગ પટેલે પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના વિવિધ હોદ્દાઓ
માટે કુલ પાંચ ફોર્મ ભર્યા હતા. જોકે, તેમને બીસીએના સભ્ય
પદેથી અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના આધારે ચૂંટણી અધિકારી સમક્ષ પાંચ વાંધાઓ
રજૂ થયા હતા. આ વાંધાઓને ગ્રાહ્ય રાખી ચૂંટણી અધિકારીએ તેમના તમામ પાંચ ફોર્મ રદ
કરવાનો નિર્ણય લીધો છે.
બીજી તરફ, રિવાઇવલ ગૃપના ગણાતા ચેતન પવારને પણ મોટો ઝટકો
લાગ્યો છે. ચેતન પવારે સેક્રેટરી અને ટ્રેઝરર એમ બે મહત્વના હોદ્દા માટે ઉમેદવારી
નોંધાવી હતી. તેમની સામે પણ ચૂંટણી અધિકારી સમક્ષ તેમની સરકારી નોકરીને લઇને બે
વાંધા રજૂ કરવામાં આવ્યા હતા, જેના પરિણામે તેમના બંને ફોર્મ
રદ થયા છે. આમ, કુલ ૧૬૫ ફોર્મમાંથી સાત ફોર્મ રદ થતા હવે
મેદાનમાં ૧૫૮ ઉમેદવારો જંગ લડવા તૈયાર છે. જેમાં પ્રમુખ પદ માટે ૭, ઉપપ્રમુખ માટે ૯, સેક્રેટરી માટે ૯, જોઇન્ટ સેક્રેટરી માટે ૬, ટ્રેઝરર માટે ૧૦ અને
એપેક્સ કાઉન્સિલની બેઠકો માટે ૨૯ ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે.
હવે સૌની નજર આવતીકાલે એટલે કે ૨૧ જાન્યુઆરી પર ટકેલી છે, જે
ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આવતીકાલે સાંજ સુધીમાં સ્પષ્ટ થશે કે કયા
જૂથના ઉમેદવારો મેદાનમાં ટકી રહે છે અને કોણ કોની તરફેણમાં પોતાની ઉમેદવારી પાછી
ખેંચે છે. બીસીએના રાજકારણમાં હંમેશા છેલ્લી ઘડીના વળાંકો આવતા હોય છે, ત્યારે આવતીકાલે ફાઇનલ યાદી જાહેર થયા બાદ જ સાચા મોરચાબંધીની ખબર પડશે.
સત્તાધારી અને વિપક્ષી જૂથો હાલમાં પડદા પાછળની ગોઠવણોમાં વ્યસ્ત હોવાનું જાણવા
મળી રહ્યું છે.
આ ચૂંટણી માત્ર હોદ્દાઓ માટેની નથી, પરંતુ
બરોડાના ક્રિકેટ જગતમાં કોનું વર્ચસ્વ રહેશે તેનો ફેંસલો કરનારી છે. ૧૫ ફેબુ્રઆરીએ થનારું મતદાન બીસીએનું ભવિષ્ય નક્કી
કરશે. હાલમાં તો ૩૧ પોસ્ટ સામે ૧૫૮ ઉમેદવારોની ફોજ જોતા એવું લાગે છે કે દરેક મતે
રસાકસી ખેલાશે. જો મોટા જૂથો વચ્ચે સમજૂતી નહીં થાય તો મતોનું વિભાજન કોને ફળશે
અને કોને નડશે, તે જોવું રસપ્રદ રહેશે.
ગઠબંધનના એંધાણ : રોયલ અને સત્યમેવ જયતે ગૃપ વચ્ચે બેઠક યોજાય તેવી શક્યતા
બીસીએની ચૂંટણીમાં હાલમાં રિવાઇવલ જૂથ, સત્યમેવ જયતે ગૃપ અને રોયલ ગૃપ એમ ત્રણ શક્તિશાળી જૂથો સામસામે છે. ત્રિપાંખિયો જંગ ટાળવા અને મતોનું વિભાજન રોકવા માટે આજે અથવા તો કાલે રોયલ અને સત્યમેવ જયતે ગૃપ વચ્ચે બેઠક યોજાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ બેઠકમાં હોદ્દાઓની વહેંચણી બાબતે સર્વસંમતિ સધાય, તો આ બંને જૂથો એક થઈને રિવાઇવલ જૂથ સામે મોરચો માંડશે. જો બન્ને ગૃપ ભેગા મળીને ચૂંટણી લડશે તો ચૂંટણીમાં વધુ રસાકસી જામશે તેમ બીસીએના સુત્રોએ જણાવ્યું હતું.


