Get The App

સુરતના સણીયા હેમાદ, સારોલી, કુંભારીયા ગામમાં ખાડીનાપાણી ઘૂસ્યાઃ ૨૫૦નું સ્થળાંતર

જિલ્લા વિસ્તારમાં વરસાદ બંધ થઇ ગયો છતા

Updated: Jul 15th, 2022

GS TEAM

Google News
Google News
સુરતના સણીયા હેમાદ, સારોલી, કુંભારીયા ગામમાં ખાડીનાપાણી ઘૂસ્યાઃ ૨૫૦નું સ્થળાંતર 1 - image

વાલક ખાડીને મીઠી ખાડીમાં ડાયવર્ટ કરાતા સમસ્યાઃ સુરત કડોદરા રોડ પર કાંગારૂ સર્કલથી કેપિટલ સ્ક્વેર સુધી એકથી દોઢ ફૂટ પાણી ભરાયા 

સુરત,

સુરત જિલ્લાના ઉપરવાસમાં વરસાદ બંધ થયાના બીજા દિવસે સુરત મ્યુનિ. વિસ્તારમાં આવેલા સારોલી, પુણા કુંભારીયા હળપતિવાસ અને સણીયા અહેમદના માધવબાગ સહિત કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા પાલિકા તંત્ર દોડતું થયું હતું. ૨૫૦ લોકોનું સ્થળાંતર કરાયું હતું.

આજે સવારે સુરત-કડોદરા રોડ પર કાંગારૂ સર્કલ અને તેની આજુબાજુના વિસ્તારમાં ખાડી પૂર પાણી ઘુસી ગયાં હતા. કામરેજ વાલક ખાડી નુ પાણી તાપી નદીમાં જતા અટકાવી મીઠી ખાડી માં ઠાલવવાનું શરૂ કરાયું છે ત્યારથી આ સમસ્યા દર વખતે થાય છે. દર વર્ષે સણીયા-હેમાદ અને કુંભારીયા ગામમાં ખાડી પૂરની સ્થિતિ ઉભી થાય છે. ગઈકાલે જિલ્લામાં વરસાદ અટકી ગયો હોવા છતાં આજે સણીયા-હેમાદ અને સારોલી- કુંભારીયા માં ગામમાં ખાડીના પાણી ભરાયા હતા. આ ઉપરાંત સુરત કડોદરા મેઇન રોડ પર કાંગારૂ સર્કલ થી કેપિટલ સ્ક્વેર સુધીના વિસ્તારમાં પણ એકથી દોઢ ફૂટ પાણી ભરાતા વાહનચાલકોની મુશ્કેલી વધી હતી.

ખાડીનું પાણી સણીયા અહેમદ, કુંભારીયા હળપતિવાસ અને સારોલી વિસ્તારમાં ફરી વળ્યા હતા. નીચાણવાળા વિસ્તારમાં દોઢ થી બે ફૂટ જેટલું પાણી ઘુસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ અંગેની જાણ પાલિકા તંત્રને થતાં પાલિકાએ ઘરમાં ફસાઇ ગયેલા ૨૫૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા આ અસરગ્રસ્તોને કુંભારીયા ખાતે આવેલી પાલિકાની સ્કુલમાં સીફટ કરવામાં આવ્યો હતો. મનપા દ્વારા તમામ લોકો માટે ફૂડ પેકટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત લિંબાયત ઝોનમાં આવેલા પર્વત ગામમાં માધવ બાગ સોસાયટી પાસે પણ દર વર્ષે ખાડીમાં પાણી ભરાઈ જવા પામે છે. આ વર્ષે પણ માધવબાગમાં એક ફૂટ સુધી પાણી ભરાયા હતા તેથી આ વિસ્તારના રહીશોએ પાલિકાને રજૂઆત કરી હતી.