બાવળાનો ગર્લ્સ સ્કૂલ રોડ ખાડાં અને ગંદા પાણીથી બિસ્માર બન્યો
- રસ્તાનું સમારકામ કરી, દવાનો છંટકાવ કરવા માંગ
- તૂટેલા રોડથી અકસ્માતનો ભય : વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત લોકો હાલાકી ભોગવવા મજબૂર
બગોદરા : બાવળા ગર્લ્સ સ્કૂલ રોડ ઉપર વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત લોકો ગંદા પાણી અને ખાડાંમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે રોડનું રિપેરિંગ કરી દવાનો છંટકાવ કરવા સાથે સફાઈ કરાય તેવી માંગણી ઉઠી છે.
બાવળા શહેરના વિવિધ વિસ્તારોમાં ભરેલા પાણી અને તૂટેલા રસ્તાઓના કારણે શહેરના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે બાવળા અને ગર્લ્સ સ્કુલ રોડ ઉપર સામાન્ય વરસાદમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જાય છે. ત્યારે અહીં વસવાટ કરતા લોકો પાણીમાંથી પસાર થતાં અને હાલાકી ભોગવતા મજબૂર બન્યા છે. થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે ત્યારે આ રોડ ઉપર પાણી ઓસરી ગયા બાદ કેટલીક જગ્યાએ ગંદા પાણી અને તૂટેલા રસ્તાઓના ખાડાઓના કારણે લોકોને હવે હાલાકી પડી રહી છે. આ રોડ ઉપર સ્કૂલ પણ આવેલી હોવાથી વાલીઓ તેમના બાળકોને રોજ મૂકવા આવતા જતા હોય છે અને તેઓ વાહનો લઈને પસાર થાય ત્યારે અકસ્માતનો ભય રહેલો છે. ત્યારે તંત્ર દ્વારા આ રોડ ઉપર સાફ-સફાઈ કરવામાં આવે અને તૂટેલા રોડનું રિપેરિંગ કરી દવાનો છંટકાવ કરાય તેવી માંગણી ઉઠી છે.