બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું સમાપન : વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને મેડલ એનાયત કરાયા
બોયઝમાં કોઠી ક્રસર્સનો વિજય : સહજ પટેલને મેન ઓફ ધ ટુર્નામેન્ટ
ગર્લ્સમાં નવલખી નિન્જાનો વિજય : ખુશી શાહને મેન ઓફ ધ ટુર્નામેન્ટ
સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત બાસ્કેટબોલ ચેમ્પિયનશિપના સમાપન સાથે વિજેતા ખેલાડીઓને ટ્રોફી, મેડલ ,સર્ટિફિકેટ વિતરણ કરાયા હતા.
બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન, કોર્પોરેશન અને વીએમસી સ્પોટર્સ પ્રમોશન ફાઉન્ડેશનના સહયોગથી સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મેન્સ અને વિમેન્સ માટે જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું યોજાઈ હતી. આ ટુર્નામેન્ટની આજે સેમી ફાઇનલ અને ફાઇનલની મેચો રમાઈ હતી. બોયઝમાં કોઠી ક્રસર્સનો વિજય થયો હતો અને માંડવી મેવરીક રનર્સ અપ થઇ હતી તેમજ સહજ પટેલને મેન ઓફ ધ ટુર્નામેન્ટ અને આયુષ સિંઘને બેસ્ટ શૂટર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ પ્રાપ્ત થયો હતો. જ્યારે ગર્લ્સમાં નવલખી નિન્જાનો વિજય થયો હતો અને પાણીગેટ પેન્થર્સ રનર્સ અપ થઇ હતી તેમજ ખુશી શાહને મેન ઓફ ધ ટુર્નામેન્ટ અને ઝલક મહેતાને બેસ્ટ શૂટર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ પ્રાપ્ત થયો હતો. આ ટુર્નામેન્ટની મેચોમાં વિવિધ ટીમોના ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા રમતપ્રેમીઓ અને ખેલાડીઓના પરિવારજનો મળીને આશરે ૩ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટના સમાપન સમારોહ પ્રસંગે સાંસદ ,શહેર ભાજપ પ્રમુખ ,મ્યુનિસિપલ કમિશનર , પોલીસ કમિશનર , ડિવિઝનલ રેલ્વે મેનેજર સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.