બરોડા ડેરીની ચૂંટણીનું રાજકારણ ગરમાયું: દીનુ મામા અને કેતન ઈનામદાર વચ્ચે ખુલ્લી ચર્ચાની ચેલેન્જ
Baroda Dairy News : બરોડા ડેરીની ચૂંટણીની જાહેરાત થતા જ રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ચૂંટણી પહેલા જ ડેરીના પ્રમુખ દીનુ મામા અને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર વચ્ચે ખુલ્લી ચર્ચાની ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ છે. બંને નેતાઓ એકબીજા પર આકરા પ્રહાર કરી રહ્યા છે અને જાહેર મંચ પર આવીને ભ્રષ્ટાચારના આરોપો સાબિત કરવા તૈયાર છે.
દીનુ મામાએ વિરોધીઓ પર પ્રહાર કર્યા
ડેરીના પ્રમુખ દીનુ મામાએ તેમના વિરોધીઓ પર સીધા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 13 વર્ષમાં 1156 દૂધ મંડળીઓ કાર્યરત થઈ છે. જોકે, ડેરી વિરુદ્ધ 153 લેટરપેડ મળ્યા છે, જેમાંથી 102 લેટરપેડ સાવલી તરફના છે. તમામ લેટરપેડમાં એક જ સરખા શબ્દો છે. તેમણે તેમના વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું કે, 'હિંમત હોય તો સ્ટેજ પર આવે અને આક્ષેપો સાબિત કરે.'
કેતન ઈનામદારે ચેલેન્જ સ્વીકારી
દીનુ મામાની ચેલેન્જને સ્વીકારતા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, 'દીનુ મામા તારીખ અને સમય જાહેર કરે, હું મારી સામે બેસીને જવાબ આપવા તૈયાર છું.' તેમણે વધુમાં કહ્યું કે 4 તારીખે યોજાનારી સામાન્ય સભા પહેલા તેઓ દીનુ મામાના સમયે અને દિવસે તમામ કામ છોડીને હાજર રહેવા તૈયાર છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ પશુપાલકોના હિતનો મુદ્દો છે. તેમણે કહ્યું કે, 'હું જાહેર મંચ પર બેસીને તમામ સાબિતી આપવા તૈયાર છું, અને જો આરોપ સાબિત નહીં થાય તો તેમને કોર્ટમાં પણ લઈ જઈશ.'