Get The App

બારેજડી હત્યાકાંડ: 'રિક્ષા સ્ટન્ટ'માં મોતના નાટકનો પર્દાફાશ, મિત્રોના જમણવારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
બારેજડી હત્યાકાંડ: 'રિક્ષા સ્ટન્ટ'માં મોતના નાટકનો પર્દાફાશ, મિત્રોના જમણવારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો 1 - image


Ahmedabad Crime News : અમદાવાદના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બારેજડી ગામમાં ગત 28 ડિસેમ્બરે થયેલી યુવાનની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. મિત્રો વચ્ચેના જમણવારમાં થયેલી સામાન્ય બોલાચાલીમાં જીવ ગુમાવનાર રોહિત ઉર્ફે બાદશાહના મોતના કેસમાં આરોપીઓએ તેને 'અકસ્માત'માં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ટેકનિકલ તપાસ અને FSLની મદદથી હત્યાના ગુનાનો ખુલાસો કરી મુખ્ય આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

28 ડિસેમ્બર 2025ના રોજ બારેજડીના એક ફાર્મ હાઉસમાં આઠ જેટલા મિત્રો જમવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન ભાવેશ અને વિશાલ નામના બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતી બાબતે બોલાચાલી થઈ હતી. આ મામલો બિચકતા મૃતક રોહિત અને આરોપી અજય પણ ઝઘડામાં પડ્યા હતા. ઉશ્કેરાયેલા આરોપી અજયે પોતાની પાસે રહેલું ચાકુ રોહિતને ઝીંકી દીધું હતું. ગંભીર રીતે ઘવાયેલા રોહિતનું સારવાર દરમિયાન એલ.જી. હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.

પોલીસને ગેરમાર્ગે દોરવા રચાઈ હતી 'સ્ટન્ટ'ની ખોટી વાર્તા

હત્યાને છુપાવવા માટે આરોપીઓ અને ત્યાં હાજર મિત્રોએ પોલીસ સમક્ષ એવી કહાની ઘડી હતી કે, રિક્ષામાં સ્ટન્ટ કરતી વખતે અકસ્માતે ચાકુ વાગી જવાથી રોહિતનું મોત થયું છે. હોસ્પિટલમાં પણ આ જ પ્રકારની વર્દી લખાવવામાં આવી હતી. જોકે, બનાવની ગંભીરતા જોઈ વિવેકાનંદ નગર પોલીસે તપાસ તેજ કરી હતી.

પોલીસ તપાસમાં ભેદ ઉકેલાયો

પોલીસને રિક્ષા સ્ટન્ટની વાત ગળે ન ઉતરતા DySP નીલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ હતી. ઘટનાસ્થળે FSL અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી, જેમાં અકસ્માત નહીં પણ સંઘર્ષના પુરાવા મળ્યા હતા.

સાક્ષીઓના નામદાર કોર્ટમાં કલમ 183 મુજબ નિવેદન નોંધવામાં આવતા સત્ય બહાર આવ્યું હતું. ટેકનિકલ સોર્સના આધારે પોલીસે મુખ્ય આરોપી અજયને રાજસ્થાનના ભીલવાડાથી ઝડપી લીધો છે.

 નીલમ ગોસ્વામી (DySP, અમદાવાદ ગ્રામ્ય)એ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે વિવેકાનંદ નગર પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો છે. આરોપી અજયની ધરપકડ કરી તેની પાસેથી હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કરવામાં આવ્યું છે. હાલ આરોપી રિમાન્ડ પર છે અને વધુ તપાસ PSI એચ.એન. બારિયા ચલાવી રહ્યા છે. હાલમાં પોલીસ આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને પુરાવા નાશ કરવામાં કોણે મદદ કરી તે દિશામાં તપાસ કરી રહી છે.