Gujarat

બારડોલીમાં મેઘરાજા મહેરબાન, 4 કલાકમાં 5 ઇંચ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જનજીવન અસ્તવ્યસ્ત

By GS TEAM
24 Jun 20253 mins read
TukuTouch Logo
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર છે, ત્યારે આજે વહેલી સવારે 6:00 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરતના બારડોલીમાં વરસાદ આફત બની તૂટી પડ્યો હતો. માત્ર 4 કલાકમાં 4.8 ઇંચ વરસાદ વરસતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રસ્તા પર ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના લીધે સ્કૂલો અને ઓફિસ જવા નીકળેલા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. નીચાણવાળા રહેણાક વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી જતાં પાણી ઉલેચતાં નજરે પડ્યા હતા. ધોધમાર વરસાદના પગલે બારડોલીના જાહેર માર્ગો પર નદીના પૂર જેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

બારડોલીમાં મેઘરાજા મહેરબાન, 4 કલાકમાં 5 ઇંચ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જનજીવન અસ્તવ્યસ્ત

Heavy Rain in Bardoli: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર છે, ત્યારે આજે વહેલી સવારે 6:00 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરતના બારડોલીમાં વરસાદ આફત બની તૂટી પડ્યો હતો. માત્ર 4 કલાકમાં 4.8 ઇંચ વરસાદ વરસતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રસ્તા પર ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના લીધે સ્કૂલો અને ઓફિસ જવા નીકળેલા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. નીચાણવાળા રહેણાક વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી જતાં પાણી ઉલેચતાં નજરે પડ્યા હતા. ધોધમાર વરસાદના પગલે બારડોલીના જાહેર માર્ગો પર નદીના પૂર જેવા દૃશ્યો જોવા મળ્યા હતા.  

જો અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો તાપીના વ્યારામાં 3.98 ઇંચ, વાપીમાં 3.94 ઇંચ, તાપીના સોનગઢમાં 3.54 ઇંચ, ઉમરાપાડામાં 3.03 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 2.99 ઇંચ, નર્મદાના દેડિયાપાડા 2.91 ઇંચ, સુરતના મહુવામાં 2.91 ઇંચ, નર્મદાના નાંદોદમાં 2.76 ઇંચ, સુરતના માંડવીમાં 2.48 ઇંચ, સુરત શહેરમાં 2.2 ઇંચ અને સુરતના કામરેજમાં 2.1 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે  10 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

આ પણ વાંચો: Gujarat Rain : સુરતમાં 13.6 ઇંચ વરસાદથી જળબંબાકાર, 24 કલાકમાં 170 તાલુકામાં મેઘ મહેર

સુરત શહેરમાં 13 ઇંચ અને કામરેજમાં 11 ઇંચ વરસાદ

છેલ્લાં 24 કલાક દરમિયાન સુરત શહેરમાં રાજ્યનો સૌથી વધુ 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર સુરત જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં 11 ઇંચ અને પલસાણા તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

ગત 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ

આ ઉપરાંત ગત 24 કલાકમાં સુરતના બારડોલી અને નર્મદાના તિલકવાડા તાલુકામાં 6 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપીના ડોલવણ, આણંદના બોરસદ અને સુરતના ઓલપાડ તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તદુપરાંત સુરતના ચોર્યાસી તાલુકામાં 4 ઈંચથી વધુ તેમજ તાપીના વ્યારા, સુરતના માંડવી અને માંગરોળ, આણંદના ખંભાત, પંચમહાલના હાલોલ તાલુકા ઉપરાંત નવસારી તથા ભરૂચ તાલુકામાં 3-3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.  

આ પણ વાંચો: દ્વારકા, ભાવનગર અને વડોદરા સહિત 8 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ, સુરતમાં 24 કલાકમાં 13 ઈંચ વરસાદ

31 જિલ્લાના કુલ 170 તાલુકામાં વરસાદ 

આ ઉપરાંત રાજ્યના 18 તાલુકામાં બે ઇંચથી વધુ, 40 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 96 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 31 જિલ્લાના કુલ 170 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે 24 જૂન, 2025ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 21 ટકાથી વધુ નોંધાયો છે. 

24 જૂનની આગાહી

24 જૂને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ રહેવાની શક્યતા છે. આ દિવસે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, આણંદ, ભરુચ, વડોદરા, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

25થી 29 જૂનની આગાહી

25 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને 26 જૂને નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં યલો ઍલર્ટ છે. 27 જૂનના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી છે. જ્યારે 28-29 જૂનના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.