BAPS Swaminarayan Sanstha: આધુનિક ટેક્નોલોજીના યુગમાં જ્યાં બાળકો ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ તરફ આકર્ષાઈ રહ્યા છે,ત્યારે અમદાવાદ ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન 'મુખપાઠ' પરંપરાને પુનર્જીવિત કરતો એક અનોખો સંકલ્પ પૂર્ણ કર્યો છે. મહંત સ્વામી મહારાજના સંકલ્પને પગલે સંસ્થાના 15,666 બાળકો અને બાળકીઓ માત્ર એક વર્ષમાં સંસ્કૃત ભાષામાં રચાયેલા 'સત્સંગ દીક્ષા' ગ્રંથના 315 શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરીને એક અભૂતપૂર્વ સિદ્ધિ અને સંભવિત વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે.

મુખપાઠના સંકલ્પની પૂર્તિ
ગત વર્ષે દિવાળી દરમિયાન મહંત સ્વામી મહારાજે સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે આવતી દિવાળી સુધીમાં BAPS બાળસંસ્કાર પ્રવૃત્તિનાં 10,000થી વધુ બાળકો સંસ્કૃતમાં 'સત્સંગ દીક્ષા' ગ્રંથનો મુખપાઠ કરે. આ સંકલ્પને સફળ બનાવવા માટે સંસ્થાની બાળપ્રવૃત્તિ દ્વારા 8500થી વધુ બાળ બાલિકા સેન્ટરો અને 17,500થી વધુ કાર્યકર્તાઓએ એક અભિયાન શરૂ કર્યું હતું. એક વર્ષની મહેનત બાદ સંકલ્પના લક્ષ્યાંક (10,000) કરતાં પણ વધુ એટલે કે કુલ 15,666 બાળ-બાલિકાઓએ આ મુખપાઠ પૂર્ણ કર્યો છે. આ સિદ્ધિ બદલ દિલ્હી સ્થિત ભારતીય કેન્દ્રીય સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના કુલપતિએ મહંત સ્વામી મહારાજને અભિનંદન પાઠવ્યા છે.

સત્સંગ દીક્ષા ગ્રંથનું મહત્ત્વ
'સત્સંગ દીક્ષા' એક અભિનવ સંસ્કૃત-ગુજરાતી ગ્રંથ છે, જેમાં મહંત સ્વામી મહારાજે સનાતન શાસ્ત્રોનો સાર 315 શ્લોકોમાં રજૂ કર્યો છે. આ ગ્રંથ દ્વારા સદાચાર, વ્યસનમુક્તિ, પ્રામાણિકતા, ચારિત્ર્ય, ભક્તિ, સર્વધર્મ સમ-આદર અને રાષ્ટ્રીય ભાવના જેવા નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન જનસમાજમાં કરવામાં આવી રહ્યું છે. લાખો લોકો દરરોજ પોતાના પ્રાતઃક્રમમાં આ ગ્રંથનો પાઠ કરે છે.
આ મુખપાઠ અભિયાનમાં 3 વર્ષથી લઈને 13 વર્ષ સુધીનાં બાળકો અને બાલિકાઓ જોડાયા હતાં. ખાસ કરીને ઘણાં એવાં નાના બાળકો પણ હતાં જેઓ લખી-વાંચી શકતા નહોતા, છતાં પણ તેમણે પોતાની માતાના સહયોગથી માત્ર સાંભળીને શ્લોકો યાદ રાખીને મુખપાઠ પૂર્ણ કર્યો હતો. બાળકોની આ ધગશ બદલ કાર્યકરો અને વાલીઓએ તેમના પગલાં પોતાના હથેળી અને સુશોભિત વસ્ત્રો પર પડાવીને તેમનું અભિવાદન કર્યું હતું.

તાલીમ અને પ્રેરણાનું આયોજન
આ યજ્ઞને સફળ બનાવવા માટે સંસ્થાના સંતો અને કાર્યકરોની ટીમે વાલીઓ અને બાળકો માટે નિયમિત પ્રેરણા સભાઓ યોજી હતી. સ્વયંસેવકોને મુખપાઠ કરાવવાની પદ્ધતિ, રિવિઝન ક્યારે અને કેવી રીતે લેવું તેની વિસ્તૃત તાલીમ ઓનલાઈન મિટિંગો દ્વારા આપવામાં આવી હતી.

મુખપાઠ યજ્ઞની પૂર્ણાહુતિ
આ મુખપાઠ અભિયાનની પૂર્ણાહુતિ નિમિત્તે મંગળવારે (28મી ઓક્ટોબર) BAPS સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ ખાતે BAPS બાળપ્રવૃત્તિ દ્વારા સંતોના માર્ગદર્શન હેઠળ 'સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ'નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાચીન પરંપરાને સજીવન કરનારા કુલ 1500 જેટલા બાળ-બાલિકાઓ આ વૈદિક યજ્ઞમાં જોડાયાં હતાં. BAPS સંસ્થા આજે આત્મ-અનુશાસન અને આધ્યાત્મિક અધ્યયન દ્વારા એવા બાળ-બાલિકાઓને તૈયાર કરી રહી છે, જેઓ માત્ર સમય સાથે આગળ વધતા નથી પણ પોતે સમયને બદલી શકે તેવી ક્ષમતા ધરાવે છે.


