આણંદની બોરસદ ચોકડીએ પુલની નીચે દબાણ નહીં કરવા બેનર લાગ્યા
- કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા
- લારી- ગલ્લાના દબાણોથી બોરસદ, સોજીત્રા અને ગણેશ ચોકડી જતા ટ્રાફિકની સમસ્યા વકરી
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી બોરસદ ચોકડીએ હાલ મેમુ રેલવે લાઈન ઉપર પુલ બનાવવામાં આવેલો છે. પુલની નીચે ધીમે ધીમે લારી- ગલ્લાઓના દબાણો થવા માંડયા છે.
પુલની એક બાજુએ ટ્રેક્ટર, રીક્ષાઓ અને ટેમ્પાના ખડકલા પણ થઈ રહ્યા છે. પુલની નીચેનો રસ્તો બોરસદ, સોજીત્રા અને ગણેશ ચોકડી બાજુ પસાર થાય છે. જેથી દિવસ દરમિયાન ટ્રાફિકથી ધમધમતો રહે છે. ત્યારે લારી- ગલ્લાવાળા અને અન્ય દબાણને કારણે રસ્તો સાંકડો થઈ જતા ટ્રાફિક જામની સમસ્યાઓ વકરી રહી છે.
ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પુલ નીચે લારી- ગલ્લા ઉભા રાખવા નહીં, દબાણ કરવું નહીં તેવા બેનરો મારી દેવામાં આવ્યા છે. ત્યારે મનપા તંત્ર ખાલી બેનર લગાવીને જ સંતોષ માનશે કે પછી ત્વરિત દબાણો હટાવી ટ્રાફિકની સમસ્યા દૂર કરશે તે અંગે સ્થાનિકોમાં ચર્ચાઓ ઉઠી છે.