ગણતરીના કલાકોમાં ચેક ક્લિયરિંગ સિસ્ટમમાં ખામી, સોફ્ટવેર ઠપ થતાં મોડી રાત સુધી બેંક કર્મચારી કામે લાગ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Instant Cheque Clearing Issue : ગણતરીના કલાકમાં ચેક ક્લિયર કરી ખાતામાં નાણા જમા કરવાની યોજનાના શરૂઆતના દિવસોમાં જ ખામી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં 3 ઓક્ટોબરથી શરૂ થયેલી આ સિસ્ટમના પહેલા દિવસે બેંકો પ્રોસેસિંગ કરવામાં નબળી પુરવાર થઈ હતી. સોમવારે (6 ઓક્ટોબર) નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું સોફ્ટવેર ઠપ થઈ જતાં બેંક કર્મચારીઓ મોડી રાત સુધી બેંકમાં ચેક ક્લિયરિંગ કરવાની સ્થિતિ ઉભી થઈ હોવાનું સામે આવ્યું છે.
ચેક ક્લિયરિંગ સિસ્ટમમાં ખામી
જૂની સિસ્ટમ પ્રમાણે, કસ્ટમર પોતાના ખાતામાં કોઈએ આપેલો ચેક જમા કરવાની પ્રક્રિયામાં બેંક દ્વારા ચેકને સ્કેન કરીને ચેક લખનારની બેંકને મોકલી આપે છે. જ્યાં સામેવાળી બેંક ચેક લખનારની સહી, ખાતામાં બેલેન્સ જોઈને ચેક ક્લિયર કરે અને પછી ચેક જમા કરનારની બેંકને મેસેજ મોકલ્યા બાદ જે-તે કસ્ટમરના બેંક ખાતામાં રકમ જમા થતી હોય છે.
નવી સિસ્ટમમાં ચેક ક્લિયરિંગ ઝડપથી થાય એટલે દરેક બેંકે કામકાજના સમયમાં દિવસ દરમિયાન મળેલા ચેક સ્કેન કરવા ફરજિયાત છે અને ચેક સ્કેન કર્યા બાદ તેનું બેચ પ્રોસેસિંગ કરીને તરત જ સામેવાળી બેંકોને મોકલી આપવાના રહે છે. તેમ છતાં, યોજના શરૂ થયાના પ્રથમ બે દિવસ દરમિયાન ઘણી બેંકો સ્કેનિંગ અને બેચ પ્રોસેસિંગ કરવામાં નિષ્ફળ રહી હતી. જેના કારણે ચેક ક્લિયરિંગમાં વિલંબ થયો હતો.
આ પણ વાંચો: GSTમાં રાહત બાદ દિવાળી પહેલા ફરી મોટી જાહેરાતની તૈયારીમાં સરકાર? નીતિ આયોગે આપ્યા સંકેત
મળતી માહિતી મુજબ, આજે સાંજે લગભગ 4 વાગ્યે NPCIના સોફ્ટવેરમાં ટેકનિકલ ખામી સર્જાતા આખું કામકાજ ઠપ થયું હતું. બેંકના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘રાત્રે 10 વાગ્યા આસપાસ સિસ્ટમ ફરી શરૂ થઇ હતી. હવે બેંકો ચેકની સહી અને બેલેન્સ ચકાસણી કરીને, મોડી રાત્રે ક્લિયરિંગ પ્રક્રિયા પૂર્ણ કરશે.’









