મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીઓના બેંક એકાઉન્ટની તપાસ
આજે રિમાન્ડ પૂરા થતા તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે
વડોદરા,પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાના ગુનામાં પકડાયેલા આરોપીઓને અલગ - અલગ રાખીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે, હજીસુધી કોઇ ફળદાયક વિગતો મળી નથી.
શહેરની કોમી શાંતિ ડહોળવાની કોશિશ કરવાના ગુનામાં માફિયા ગેંગના એડમિન અને મુખ્ય સૂત્રધાર જુનેદ સિન્ધી, તેની માતા સહિત ચાર આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેઓના બે દિવસના રિમાન્ડ લઇ પૂછપરછ હાથ ધરી છે. પરંતુ,ગઇકાલે રિમાન્ડ લીધા પછી પોલીસનો મોટા ભાગનો સમય વિસર્જન યાત્રાના બંદોબસ્તમાં જ પસાર થયો છે. આજે મોડી રાતથી પોલીસે તેઓને અલગ - અલગ રાખી તપાસ પૂછપરછ શરૃ કરી છે. આરોપીઓને પીઠબળ પૂરૃં પાડનાર તેમજ નાણાંકીય મદદ કરનારને પોલીસ શોધી રહી છે. પોલીસ દ્વારા આરોપીઓના બેંક એકાઉન્ટની વિગતો મંગાવવામાં આવી છે. તેમજ આરોપીઓના મોબાઇલ ફોન એફ.એસ.એલ.માં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.આવતીકાલે ચારેય આરોપીઓના રિમાન્ડ પૂરા થતા તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.