વડોદરા રેલવે સ્ટેશન પરથી બાંગ્લાદેશી કિશોરી ઝડપાઇ
કિશોરીની માતાને નડિયાદ પોલીસ લઇ ગઇ હતી ઃ બંને સામે કાર્યવાહી
વડોદરા, તા.18 વડોદરા રેલવે સ્ટેશન પરથી મળેલી એક કિશોરીના પરિવારજનોની તપાસ દરમિયાન તે કિશોરી બાંગ્લાદેશી હોવાનું જાણવા મળતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૨ પર અમદાવાદ તરફના છેડે એક કિશોરી એકલી બેસેલી જણાતા રેલવે પોલીસ દ્વારા કિશોરીની પૂછપરછ કરતાં તે હિન્દી ભાષામાં ત્રુટક બોલતી હતી. તેણે પોતાનું નામ ડોલી લઇક શેખ જણાવ્યું હતું અને પોતે મહાગુજરાત નડિયાદ ખાતે રહે છે તેમ કહ્યું હતું. પોતાનું સરનામું પૂરું જાણતી ન હતી અને જો નડિયાદ લઇ જવાય તો હું ઘર બતાવીશ તેમ પોલીસને જણાવ્યું હતું.
બાદમાં પોલીસ તેને નડિયાદ લઇ ગઇ હતી અને જ્યાં તે રહેતી હતી તે ઘરનો રસ્તો દર્શાવતા તે સ્થળે જઇને જોયું તો ઘરને તાળું માર્યું હતું. આ અંગે પાડોશીને પૂછતાં કહ્યું કે ઘરના સભ્યને નડિયાદ ટાઉન પોલીસ લઇ ગઇ છે. બાદમાં પોલીસ પણ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે ખબર પડી કે કિશોરીની માતાનું નામ રીના જાહીર મોનડલ તેમજ તે મૂળ બાંગ્લાદેશી છે અને તે ગેરકાયદે રહેતી હતી. રેલવે પોલીસે પકડેલી કિશોરીએ તેની માતાને ઓળખી કાઢી હતી અને બાદમાં કિશોરીનો કબજો પણ નડિયાદ પોલીસને સોંપી દેવાયો હતો.