હયાત હોટલમાં નાણાં ચુકવ્યા વિના નાસી જનાર બેંગાલુરૂના તબીબની ધરપકડ
એરપોર્ટ, જ્વેલર્સ સાથે પેમેન્ટના નામે છેતરપિંડી આચરી
ઓનલાઇન પેમેન્ટ કર્યા બાદ સ્ક્રીન શોટ બતાવીને આરોપી ફરાર થઇ જતો હતોઃ અનેક ગુનાના ભેદ ઉકેલાયા
અમદાવાદ,શનિવાર
શહેરના આશ્રમ રોડ પર આવેલી હયાત હોટલમાં રહીને પેમેન્ટ નહી ચુકવીને ફરાર થનાર તબીબ યુવકે દરિયાપુર સ્થિત એક જ્વેલર્સને દાગીના ખરીદીને ઓનલાઇન પેમેન્ટનો સ્ક્રીન શોટ આપીને છેતરપિંડી આચરી હતી. જે કેસમાં દરિયાપુર પોલીસે બાતમીના આધારે તેને બેગ્લુરૂમાં રહેતા તબીબી યુવકને ઝડપી લીધો હતો. આરોપી તબીબે વસ્ત્રાપુર અને એરપોર્ટમાં પણ આ મોડ્સ ઓપરેન્ડી ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે.
આશ્રમ રોડ પર આવેલા હયાત હોટલમાં એક સપ્તાહ પહેલા એક યુવક રહેવા માટે આવ્યો હતો. તેણે હોટલનો સ્યુટ બુક કરાવવાની સાથે મસાજ તેમજ અન્ય સુવિદ્યા લીધી હતી. જેનું કુલ પેમેન્ટ ૮૨ હજાર થતું હતું. પરતુ, તે નાણાં ચુકવ્યા વિના જતો રહ્યો હતો. જેથી હોટલ સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે ૨૩ જુનના રોજ આ વ્યક્તિએ આશ્રમ રોડ પર સ્થિત આઇટીસી વેલકમ હોટલમાં પણ આ મોડ્સ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરી હતી. તેણે હોટલમાં આપેલા આધારકાર્ડમાં તેનું નામ વાય સુદર્શન (રહે.બેંગ્લુરૂ) હોવાનું જાણવા મળ્યું હતું.
બીજી તરફ દરિયાપુરમાં આવેલા એક જ્વેલર્સ શોપમાં જઇને દોઢ લાખની કિંમતની સોનાની ચેઇન ખરીદીને ઓનલાઇન પેમેન્ટનો સ્ક્રીન શોટ મોકલીને છેતરપિંડી કરી હતી. આ અંગે દરિયાપુર પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર આર જી દેસાઇએ જણાવ્યું કે આરોપી ઓનલાઇન પેમેન્ટ કરીને સ્ક્રીન શોટ બતાવીને છેતરપિંડી કરતો હતો. તેણે સરગાસણમાં હોલી ડે મોલ, વસ્ત્રાલ, એરપોર્ટ તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં જ્વેલર્સ, મોલ, મોબાઇલ શોપમાં લાખોની છેતરપિંડી આચરી હતી. આ ઉપરાંત, દિલ્હીમાં આ મોડ્સ ઓપરેન્ડીથી ગુના આચર્યા હતા.