પેટલાદના બાંધણી ગામના શખ્સને સગીરા પર દુષ્કર્મ કેસમાં 20 વર્ષની સખત કેદની સજા
- પેટલાદ કોર્ટે વિવિધ કલમો હેઠળ 35 હજારનો દંડ પણ ફટકાર્યો
- પેરોલ પર છૂટી ગુનો કરવા બદલ અગાઉની સજા બાદ હાલની સજા ભોગવવા આદેશ : પીડિતાને યોજનાના આધારે 50 હજાર વળતર ચૂકવાશે
પેટલાદ તાલુકાના એક ગામની ૧૫ વર્ષ ૭ મહિનાની સગીરાને તા. ૩૧-૭-૨૦૨૪ના રોજ પેટલાદ તાલુકાના બાંધણી ગામનો અજય જયંતિભાઈ ભોઈ કાયદેસરના વાલીપણામાંથી જાણ કર્યા વગર લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી વડોદરા જિલ્લાના ભમ્મરઘોડા ગામમાં લઈ ગયો હતો. ગામના મેળડી માતાના મંદિરના પાછળના ભાગના ખેતરની ઓરડીની બહાર રાખી શખ્સે સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે શખ્સની તા. ૭-૪-૨૦૨૪ના રોજ અટકાયત કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરી પોક્સો સહિત વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાવ્યા હતા. પોલીસે આરોપી વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસ ચાલી પેટલાદની કોર્ટમાં ચાલી જતા આજે સ્પેશ્યલ જજ અને અધિક સેશન્સ જજ ઝંખના વી. ત્રિવેદીએ આરોપીને પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. આરોપીએ પેરોલ પર જેલમુક્ત સમયે ગુનો આચર્યો હોવાથી અગાઉની સજા પૂર્ણ થયા બાદ હાલના ગુનાની સજા ભોગવવા કોર્ટે આદેશ કર્યો છે. આરોપીને વિવિધ કલમો હેઠળ કુલ ૩૫ હજારનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે. પીડિતાને સરકારની યોજના હેઠળ ૫૦ હજાર વળતર પણ ચૂકવવા કોર્ટે જણાવ્યું છે.