બનાસકાંઠાના થરાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં બેના દર્દનાક મોત, કાર ચાલક ફરાર
Tharad Hit And Run : બનાસકાંઠાના થરાદ તાલુકામાં હિટ એન્ડ રનની એક દર્દનાક ઘટનામાં બે લોકોના મોત થયા છે. થરાદના માણકા-ભાલચી રોડ પર આ ઘટના બની હતી, જ્યાં એક બેફામ કાર ચાલકે રોડની સાઈડમાં ઉભેલા લોકોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, થરાદ તાલુકાના માણકા ગામ નજીક ભાલચી રોડ પર માણજી અસલ અને રાણાભાઈ ગણેશા નામના બે યુવકો રસ્તાની બાજુમાં ઉભા હતા. તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને યુવકોને ગંભીર ઈજાઓ થઈ અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.
અકસ્માત બાદ કાર ચાલક પોતાની કાર લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ફરાર કાર ચાલકને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.