બનાસકાંઠાના જવાન ભાવેશ ચૌધરી જમ્મુ-કાશ્મીરમાં શહીદ, આજે 'ગાર્ડ ઓફ ઓનર' સાથે અંતિમ વિદાય
Banaskantha News: દેશની રક્ષા કરી રહેલા બનાસકાંઠાના લાખણી તાલુકાના નાદલ ગામના જવાન ભાવેશ ચૌધરી શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરમાં ગ્રેનેડ વિસ્ફોટની એક ઘટનામાં ભાવેશ ચૌધરીએ વીરગતિ પ્રાપ્ત કરી છે. ભાવેશ ચૌધરીની શહીદીના સમાચાર મળતાં જ તેમના વતન નાદલ ગામમાં ભારે માતમ છવાઈ ગયો છે. આ યુવાનની શહીદીથી ગામના લોકોમાં એક તરફ ગર્વની લાગણી છે, તો બીજી તરફ વ્હાલા પુત્રને ગુમાવ્યાનું ભારે દુઃખ છે.
ગાર્ડ ઓફ ઓનર સાથે અપાશે અંતિમ વિદાય
મળતી માહિતી અનુસાર, ભાવેશ ચૌધરીના નિવાસ્થાને સાંત્વના આપવા માટે ગામના લોકો, સમાજના આગેવાનો અને અન્ય લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ પરિવારજનોને મળીને શોક વ્યક્ત કર્યો હતો અને વીર જવાનના રાષ્ટ્ર માટેના અમર બલિદાનને વંદન કર્યાં હતા. બનાસકાંઠાના આ લાડકવાયાએ દેશ માટે આપેલું બલિદાન હંમેશા યાદ રહેશે.
આ પણ વાંચો: નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાના SP, કલેક્ટર અને ડીડીઓ સહિતના અધિકારીઓની નિમણૂક
શહીદ ભાવેશ ચૌધરીના પાર્થિવ દેહને વતન નાદલ ગામ લાવવામાં આવી રહ્યો છે. આજે વતનમાં સંપૂર્ણ રાજકીય અને લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શહીદ જવાનને અંતિમ વિદાય આપતી વખતે 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવશે, જેમાં લશ્કરી જવાનો દ્વારા તેમને સલામી આપીને તેમના અમર બલિદાનને યાદ કરવામાં આવશે. હજારો લોકો આ વીર શહીદની અંતિમ યાત્રામાં જોડાઈને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તૈયાર છે.