Get The App

પાડલીયાકાંડ મામલે 500 સામે ફરિયાદ, 1000 જવાનો તૈનાત; પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યાનો ગામલોકોનો આરોપ

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
પાડલીયાકાંડ મામલે 500 સામે ફરિયાદ, 1000 જવાનો તૈનાત; પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યાનો ગામલોકોનો આરોપ 1 - image


Danta Padaliya Stone Pelting Case: બનાસકાંઠાના દાંતા તાલુકાના પાડલીયા ગામમાં 13 ડિસેમ્બરે વન વિભાગ, પોલીસ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક PI સહિત 47 જવાનો ઘાયલ થયા હતા. ત્યારે આજે આ મામલે પોલીસે 27 નામજોગ સહિત 500 લોકો સામે FIR દાખલ કરી છે. ગુનેગારોને પકડી લેવા 3 DySP, 10 PI, 12 PSI તેમજ 400 જેટલા પોલીસ કર્મીઓ પંચનામાની કાર્યવાહીમાં જોતરાયા છે. તો બીજી તરફ હજારથી પણ વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો અંબાજી આસપાસમાં ખડકી દેવામાં આવ્યો છે. 

અંબાજીમાં પોલીસના ધાડેધાડા ઉતર્યા

અંબાજીમાં પાડલીયા ગામમાં બનેલા બનાવ બાદ અંબાજી અને આસપાસમાં વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.  કોઈપણ સમયે પાડલીયા ગામમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી હુમલાખોરની ધરપકડ થઈ શકે છે. તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો બનાવ આસપાસના વિસ્તારમાં ઉતારવા આવ્યા છે. FSLની ટીમ સહિત પંચાનામું કરવાની તૈયારી પણ કરી લેવામાં આવી છે. 

પાડલીયાકાંડ મામલે 500 સામે ફરિયાદ, 1000 જવાનો તૈનાત; પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યાનો ગામલોકોનો આરોપ 2 - image

ગઇકાલે શું બન્યું હતું?

13 ડિસેમ્બરના રોજ અંબાજી નજીક આવેલા પાડલીયા ગામે ફોરેસ્ટની જમીન વિવાદ બાદ બબાલ થઈ હતી. આ દરમિયાન સ્થાનિક લોકોના ટોળાએ પહેલા ફોરેસ્ટ ટીમ અને બાદમાં પોલીસ ટીમ પર હુમલો થયો હતો. જેમાં PI આર.બી. ગોહિલ સહિત 45થી વધુ પોલીસ અને ફોરેસ્ટના કર્મીઓ અને અધિકારીઓ ઘાયલ થયા હતા. પથ્થરો, તલવાર અને તીર-કામઠાથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં PI આર બી. ગોહિલને PIને કાનના ભાગે તીર વાગતા બેભાન થયા હતા. PI સહિતના ઘાયલ કર્મીઓને અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

સ્થાનિકોનું શું કહેવું છે?

પાડલીયા ગામના સ્થાનિકો અને અસરગ્રસ્તોએ મીડિયા સામે હૈયા વરાળ ઠાલવતાં તંત્ર પર દોષનો ટોપલો ઢોળ્યો છે. કહ્યું હતું કે 'અધિકારીઓએ તેમના પર લાઠીચાર્જ કર્યો હતો જે બાદ  પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. 2006ના કાયદા મુજબ ગામના લોકો જમીન માટે પોતાની સનદ (માલિકી હક્કના દસ્તાવેજ)ની માંગ કરી હતી. આ અંગે વનવિભાગ સાથે બેઠક કરવાની હતી. પણ કોઈ જાણ કર્યા વગર કાર્યવાહી કરવામાં આવી જેથી લોકોમાં રોષ હતો.  કોઈપણ પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વગર જ JCB મશીન વડે એક્શન લેવાની શરૂઆત કરવામાં આવી હતી. જેના કારણે સંઘર્ષ ઊભો થયો હતો.'

આ પણ વાંચો: અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્ત્વોનો આતંક, બર્થ ડે ઉજવીને રોડ બાનમાં લીધો, ટ્રાવેલ્સની ઓફિસમાં કરી તોડફોડ

'હુમલાખોર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં'

ઘટના બાદ DySPએ કહ્યું છે કે હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહીને આગળ વધારવા માટે ટીમ પાડલીયા ગામ જવા રવાના થઈ છે. પંચનામું અને કોમ્બિંગની કાર્યવાહી દ્વારા હુમલામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. સરકારી કામકાજમાં રૂકાવટ અને હુમલો કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી પણ પોલીસ દ્વારા આપવામાં આવી છે.