Get The App

પાટણની ખાનગી હોસ્પિટલની બેદરકારી બાદ GRD યુવતીએ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ, ગર્ભાશય કાઢી લીધું હોવાનો આરોપ

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
પાટણની ખાનગી હોસ્પિટલની બેદરકારી બાદ GRD યુવતીએ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ, ગર્ભાશય કાઢી લીધું હોવાનો આરોપ 1 - image

Banaskantha News: બનાસકાંઠામાં ડૉક્ટરના પાપે યુવતીનું જીવન બરબાદ થઈ ગયું છે. પીડિત GRD યુવતીએ થોડા સમય પહેલા પેટની ગાંઠનું ઓપરેશન પાટણની એક ખાનગી હોસ્પિટલમાં કરાવ્યું હતું પણ ઓપરેશન બાદ તેને જાણ થઈ હતી કે ડોકટરોએ તેનું ગર્ભાશય જ કાઢી લીધું છે. ડૉક્ટરની ઘોર બેદરકારીને કારણે યુવતીનું જીવન ધૂળધાણી થઈ જતાં આજે તેને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. 

GRD યુવતી કેનાલમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો

બનાસકાંઠાના વડા ગામમાં GRD યુવતી કેનાલમાં પડતું મૂકવા પહોંચી હતી પણ યુવતી કેનાલમાં પડે તે પહેલા જ સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવી હતી. યુવતી અને તેના પરિવારે ડૉક્ટર દ્વારા થયેલી લાપરવાહીના કારણે જિંદગીથી કંટાળીને પગલું ભરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું છે. 


ડૉક્ટર-હોસ્પિટલ સામે પોલીસ કેમ નથી નોંધતી ગુનો?

અહીં મોટો સવાલ એ છે કે યુવતી GRD જવાન હોવા છતાં પણ પોલીસ તંત્ર તેની પડખે ઊભું નથી. ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હોસ્પિટલ સામે ફરિયાદ લેવામાં પણ આનાકાની થઈ રહી છે. જીવન ટુકાવવાના પ્રયાસ પહેલા આ યુવતીએ 6 ડિસેમ્બરના રોજ જીગ્નેશ મેવાણીની જાહેર સભામાં હોસ્પિટલ અને પોલીસ તંત્ર સામે સવાલો ઊભા કર્યા હતા. અને કહ્યું હતું કે ડૉક્ટર સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો અંતિમ પગલું ભરીશ. તેમ છતાં પણ GRD યુવતીના સહારે કોઈ ન આવતા આજે તેને કેનાલમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: ભુજ: તાંત્રિકે વિધિના બહાને મહિલાની છેડતી, માધાપરમાં 'ઢોંગી' તાંત્રિકની ધરપકડ

ઉગ્ર આંદોલન અને પાટણ બંધની ચીમકી

સમગ્ર મુદ્દે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે '6 ડિસેમ્બરના દિવસે થરાદના મારા જાહેર કાર્યક્રમના મંચ પર કાંકરેજ તાલુકાના થરા વિસ્તારની GRD દીકરીએ ફરિયાદ કરી હતી, તેણે મને જણાવ્યું કે થોડા દિવસ પહેલા તે ગાંઠના ઓપરેશન માટે પાટણની પ્રાઈવેટ હોસ્પિટલમાં ગઈ હતી. જેમાં ડોકટરો દ્વારા દીકરીના પરિવાર કે તેની સંમતિ વગર જ તેનું ગર્ભાશય કાઢી લેવામાં આવ્યું હતું. અને જીવન બરબાદી કરી નાખ્યું હતું. તે વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઈ ફરિયાદ લેવામાં આવતી નથી. GRD દીકરી જાહેરમાં ડૉક્ટર પર કોઈ પગલાં લેવામાં ન આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી છતાં પણ પોલીસ દ્વારા કોઈ પગલાં લેવાંમાં આવ્યા નથી, જો પોલીસ ગુનો નહીં નોંધે તો આવનારા દિવસો ઉગ્ર આંદોલન અને પાટણ બંધની ફરજ પાડીશું'