Get The App

બનાસકાંઠા પૂરનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો : પૂરગ્રસ્ત માટે કેશડોલ અને સહાયની માંગ સાથે ગૃહમાં સૂત્રોચ્ચાર

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
બનાસકાંઠા પૂરનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો : પૂરગ્રસ્ત માટે કેશડોલ અને સહાયની માંગ સાથે ગૃહમાં સૂત્રોચ્ચાર 1 - image


Gujarat Assembly News: ગુજરાત વિધાનસભાના 15મા સત્રના ત્રીજા અને અંતિમ દિવસે વરસાદી હોનારતથી પ્રભાવિત બનાસકાંઠાના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ઉગ્ર રજૂઆત કરી હતી. સુઈગામના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પ્રશ્નોત્તરી કાળ બાદ તરત જ ઊભા થઈને તેમના વિસ્તારમાં થયેલી વિનાશક અસરો વિશે રજૂઆત કરી હતી.

ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ગૃહમાં જણાવ્યું કે વરસાદી હોનારતના લીધે બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં કેટલાય ગામો સંપર્ક અને સુવિધા વિહોણા બન્યા છે અને તેમણે પૂરગ્રસ્ત વિસ્તાર માટે તાત્કાલિક સહાયની માંગણી કરી હતી. આ મુદ્દાને સમર્થન આપવા માટે કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ પણ હાથમાં પ્લેકાર્ડ દર્શાવીને અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

આ રજૂઆત દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અમૃતજી ઠાકોરને 'પોઈન્ટ ઓફ ઓર્ડર' અથવા 'પોઈન્ટ ઓફ ઈન્ફોર્મેશન' અંગે પૂછ્યું હતું. જોકે, ઠાકોરે પોતાનો મુદ્દો પકડી રાખીને પૂરગ્રસ્તો માટે સહાયની માંગણી પર ભાર મૂક્યો હતો.

ગૃહની બહાર નીકળીને મીડિયા સાથે વાતચીત કરતા ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ, અમૃતજી ઠાકોર અને કાંતિલાલ ખરાડીએ જણાવ્યું કે તેમણે ગૃહમાં પાક નિષ્ફળતા અંગે સર્વે કરાવીને સહાય આપવાની માંગ કરી છે. તેમણે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક કેશડોલ આપવાની પણ માંગ કરી હતી.

અમૃતજી ઠાકોરે મીડિયાને વધુમાં જણાવ્યું કે વાવ, થરાદ અને સુઈગામ જેવા વિસ્તારોમાં અતિશય વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે, લોકોની ઘરવખરી ખરાબ થઈ ગઈ છે અને ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તેમણે સરકાર પર હવામાન વિભાગની આગાહી છતાં કોઈ અગમચેતીના પગલાં ન લેવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે માંગ કરી કે લોકોને તાત્કાલિક ઘરવખરી માટે કેશડોલ આપવામાં આવે જેથી તેમનું જીવન સરળ બને.


Tags :