આર્મીના યુનિફોર્મ જેવાં વસ્ત્રોનાં વેચાણ પર પ્રતિબંધ જરૂરી
સેનાના ગણવેશનું સન્માન જળવાતું નથી : વિદ્યાર્થીઓ માટે આવો યુનિફોર્મ રાખનારી શાળાઓને પણ મનાઈ કરવા જાગૃત આચાર્યએ તંત્રને ઢંઢોળ્યું
પોરબંદર, : રાજકોટમાં વર્ષો પહેલાં તત્કાલિન પોલીસ કમિશનરે સલામતિના કારણોસર સેના અને પોલીસના ગણવેશ જેવા વસ્ત્રો કોઈ સિક્યુરિટી એજન્સી વગેરે પોતાના યુનિફોર્મ તરીકે ન રાખી શકે એવી પાબંદી લાદતું જાહેરનામું બહાર પાડયું હતું, અને એ ક્રમ ઘણા સમય સુધી જળવાયો પણ હતો પરંતુ હવે ફરીથી રાજ્યની અનેક શાળાઓમાં આર્મીના યુનિફોર્મ જેવા કપડાં યુનિફોર્મ તરીકે રાખવામાં આવ્યા છે અને આવા વસ્ત્રોનું જાહેર વેચાણ પણ થાય છે, જે રોકવા માટે સરકારી તંત્રને ઢંઢોળવામાં આવ્યું છે.
દેશની આન, બાન અને શાન સમાન ઇન્ડિયન આર્મીનાં સન્માનની સાથે તેના યુનિફોર્મનું સન્માન અને ગૌરવ જળવાય તેવો સૂર ઉઠયો છે. હાલ ઘણી શાળા, કોલેજો તેમજ અન્ય ક્ષેત્રોમાં આર્મીના યુનિફોર્મને સમરૂપ યુનિફોર્મ રાખવામાં આવ્યા છે તેમજ બજારમાં પણ આર્મી યુનિફોર્મ સમકક્ષ નાઇટ ડ્રેસ કે અન્ય કપડાંનું વેચાણ કરવામાં આવે છે, જેને ખરીદી કોઇ પણ વ્યક્તિ રોજિંદા જીવનમાં તેને પહેરતા હોવાથી આર્મીના યુનિફોર્મનું સન્માન જળવાતું નથી. આર્મી યુનિફોર્મને અનુરૂપ કપડાંભૂતપૂર્વ આર્મીમેન કે હાલ ફરજ બજાવતા આર્મીના જવાનો સિવાય સામાન્ય નાગરિકે પહેરવા નહીં તેમજ બજારમાં આવા પ્રકારના ડ્રેસ કે કપડાંના વેચાણની મનાઇ ફરમાવવા ખાસ કાર્યવાહી કરવામાં આવે તેવી જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.