Gandhinagar News : રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓના સભાસદો મંડળીઓ સાથે જોડાઈ રહે તે માટે સભાસદ ભેટ મર્યાદામાં 66 ટકાથી લઈને 150 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ચેરમેન-હોદેદારોના મોંઘા વાહન ખરીદી પર રોક લગાવી દેવામાં આવી છે. જેમાં નિશ્ચિત મોડેલ વાળા વાહનોથી મોંઘા વાહનો ન ખરીદવા જણાવાયું છે.
સભાસદ ભેટ મર્યાદામાં 150% વધારો કરાયો
રાજ્યમાં પ્રાથમિક પ્રકારની સહકારી મંડળીઓ દ્વારા દર વર્ષે આપવામાં આવતી સભાસદો ભેટની રૂ.750ની મર્યાદા વધારીને રૂ.1250 કરવામાં આવી છે. જેમાં તાલુકા કક્ષાની મંડળીઓ રૂ.1000ને બદલે રૂ.2500, જિલ્લા કક્ષાની મંડળીઓ રૂ.3000ના બદલે રૂ.5000 અને રાજ્યકક્ષાની મંડળીઓ રૂ.6000ના બદલે રૂ.10000ની મર્યાદામાં સભાસદોને ભેટ આપી શકશે.
રાજ્ય સરકારે મંડળીઓને આપવામાં આવતી ભેટની ખરીદી પણ ઈટેન્ડરિંગ પદ્ધતિથી ખરીદવા જણાવ્યું છે. આમ થવાથી આવી ભેટની ખરીદી સમયે થતી અનિયમિતતા પણ અટકશે. મંત્રી જગદીશ વિશ્વકર્માના જણાવ્યા અનુસાર, સહકારી મંડળીઓમાં થતી બિનજરૂરી મોંઘા વાહનોની ખરીદીની મર્યાદા નક્કી કરી છે.
રાજ્યમાં 89000થી વધુ સહકારી મંડળીઓ આવેલી છે, જેમાં જિલ્લા દૂધ સંઘોથી લઈને જિલ્લા બેંકો જેવી મોટી-મોટી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. સહકારી મંડળીઓમાં થતી મોંઘા વાહનોની ખરીદી પણ રોક લગાવવામાં આવી છે. મંત્રીએ કહ્યું હતું કે, આ ઉપરાંત સહકારી મંડળીઓના સભાસદ માટે અગાઉ પણ રાજ્ય સરકારે ડિવિડન્ડની મર્યાદા 15 ટકાથી વધારીને 20 ટકા સુધી કરી છે, જેનો લાભ કરોડો સભાસદોને થયો છે.


