આણંદમાં 9 ફૂટથી વધુ ઊંચી ગણેશ મૂર્તિ બનાવવા, વેચવા પર પ્રતિબંધ
- 5 મી સપ્ટેમ્બર સુધી જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
- જિલ્લામાં પીઓપી, કેમિકલ રંગોવાળી, લાગણી દુભાય તેવી મૂર્તિ બનાવી, ખરીદી કે વેચી નહીં શકાય
વિસર્જિત કરી દેવા માટેની મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરીસ (પીઓપી)માંથી બનાવવામાં આવતી હોય છે. જેમાં કેમિકલયુક્ત રંગોથી પાણી જન્ય જીવો નાશ પામી શકે છે. તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે પીઓપીથી બનતી મૂર્તિઓ તથા ઉપયોગ અટકાવવા તા.૦૫/૦૯/૨૦૨૫ સુધીનું જાહેરનામું આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામામાં મૂર્તિઓની બનાવટમાં કુદરતી વસ્તુઓનો, ધામક રીતે પ્રણાલિકાગત ચીકણી માટીનો ઉપયોગ કરવો. ભઠ્ઠીમાં શેકેલી ચીકણી માટી કે પીઓપીનો ઉપયોગ કરવો નહીં. મૂતઓની બનાવટ પાણીમાં સહેલાઈથી ઓગળી શકે તેવા બિનઝેરી કુદરતી રંગથી બનેલી હોવી જરૂરી છે. ઝેરી કે ઉતરતી કક્ષાના રસાયણ કે કેમિકલ યુક્ત રંગોથી મૂર્તિને કલર કરવો નહીં.
મૂર્તિની બનાવટમાં ઘાસ, લાકડાં, બાંબૂને બાધ નડશે નહીં. મૂર્તિની ઊંચાઈ બેઠક સહિત ૯ ફુટ કરતાં વધારે હોવી જોઈએ નહીં. મૂર્તિકારોએ જગ્યાની આજુબાજુમાં ગંદકી કરવી નહીં. ખંડૂત મૂર્તિ બિનવારસી છોડીને જવું નહીં, બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈ ચિન્હો કે નિશાનીઓવાળી મૂર્તિઓ બનાવી, ખરીદી કે વેચી શકાશે નહીં. આણંદ જિલ્લા બહારથી આ પ્રકારની મૂર્તિઓ લાવી વેચનાર મૂતકાર કે વેપારીઓને પણ આ પ્રતિબંધો લાગુ પડશે. હુકમનો ભંગ કરનારને કાયદાની જોગવાઈને આધિન સજાને પાત્ર બનશે.