ગણેશજીની મૂર્તિ ૯ ફૂટથી વધારે ઊંચી અને સ્થાપિત કરવા પ્રતિબંધ
ફાઇબર મૂર્તિની વિસર્જન યાત્રા અને મૂર્તિ બનાવવામાં કેમિકલ યુક્ત ઝેરી રંગોના ઉપયોગ પર મનાઇ
વડોદરા,ગણેશોત્સવની ઉજવણીને ધ્યાને રાખી માટીની ૯ ફૂટથી વધારે ઊંચાઇની તથા પી.ઓ.પી. અને ફાઇબરની પાંચ ફૂટ કરતા વધારે ઊંચાઇની મૂર્તિઓ બનાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ફાઇબરની મૂર્તિઓની વિસર્જન યાત્રા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આગામી તા. ૨૭ - ૦૮ - ૨૦૨૫ ના રોજથી શહેરમાં ગણેશોત્સવનો પ્રારંભ થવાનો છે. દર વર્ષે મૂર્તિઓની ઊંચાઇ બાબતે વિવાદ થતો હોય છે. જેથી, ત્રણ મહિના પહેલા જ પોલીસ કમિશનર દ્વારા આ અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. તમામ મૂર્તિઓનુું વિસર્જન કૃત્રિમ તળાવમાં જ કરવાનું રહેશે. જેમાં અલગ - અલગ ૧૦ કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
(૧) માટીની મૂર્તિની ઊંચાઇ બેઠક સાથે ૯ ફૂટથી વધારે ઊંચાઇની બનાવવા, વેચવા અને સ્થાપના ક રવા
(૨) પી.ઓ.પી. અને ફાઇબરની મૂર્તિઓ પાંચ ફૂટથી વધારે ઊંચાઇની બનાવવા, વેચવા તથા સ્થાપના કરવા
(૩) કૃત્રિમ તળાવ પર મૂર્તિઓના વિસર્જન માટે ઇશ્યૂ થયેલા પાસ સિવાય અન્ય સ્થળે વિસર્જન કરવા
(૪)મૂર્તિઓ બનાવવાની કામગીરી દરમિયાન ગંદકી કરવા તથા મૂર્તિ જાહેર રોડ પર ખુલ્લી મૂકવા
(૫) વેચાણ નહીં થયેલી અને ખંડિત મૂર્તિઓ બિનવારસી હાલતમાં મૂકવી
(૬) કોઇપણ ધર્મની લાગણી દૂભાય તેવા ચિહ્નો કે નિશાની વાળી મૂર્તિ પર
(૭) વિસર્જન પછી એક દિવસ કરતા વધુ સમય સુધી મંડપ રાખવો
(૮) ફાઇબરની મૂર્તિ વિસર્જનના દિવસે તથા ત્યારબાદ સરઘસ રૃપે કાઢવા પર
(૯) પરમિટમાં દર્શાવેલા રૃટ સિવાય અન્ય રૃટ પર વિસર્જન યાત્રા કાઢવા પર
(૧૦) મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવો