સરોવરમાં સામાન્ય લોકો માટે પ્રતિબંધ : ભાજપવાળા પરિવાર સાથે જતા વિવાદ

મુખ્યમંત્રી આવે તે પહેલાં જ લોકાર્પણ કર્યું હોય તેવી શેખી મારી : પોતાના મળતીયાઓને લઈ જઈ વિડીયો, રિલ્સ બનાવી વાયરલ કર્યા : શહેરીજનોમાં આકરી ટીકા શરૂ થઈ
જૂનાગઢ, : નરસિંહ મહેતા સરોવરનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થાય તે પૂર્વે ગત રાત્રીના ભાજપના કાર્યકરો, મનપાના પદાધિકારીઓ પોતાના પરિવાર સાથે સરોવરની મુલાકાત લઈ વિડીયો વાયરલ કરી દીધા હતા. મનપાના અધિકારીઓ મિડીયા સહિત કોઈને પણ સરોવરમાં જવા દેતા ન હતા. મુખ્યમંત્રી લોકાર્પણ કરે તે પહેલા જ તળાવને ખુલ્લું મુકી દીધુ હોય તેમ પોતાના મળતીયાઓને અંદર લઈ જઈ વિડીયો અને રિલ્સ બનાવી હતી.
68 કરોડના ખર્ચે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન થયું તેનું લોકાર્પણ નક્કી થઈ રહ્યું હતું ત્યારે અનેક વિવાદો સામે આવ્યા હતા. દિવસે-દિવસે નવા-નવા વિવાદો ખુલ્લા પડી જતા જવાબદાર અધિકારી અને શાસકો વધુ ભોપાળા ખુલ્લા ન થાય તે માટે સરોવરમાં વિપક્ષ સહિત કોઈને પણ જવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. વિપક્ષના નેતા તથા તેના નગરસેવકોને પણ અંદરના કાંડ ખુલ્લા ન પડે તે માટે મનઘડત નિર્ણય લેતા વિવાદ થયો હતો. મુખ્યમંત્રી આવતા હોવાથી અન્ય સરકારી વિભાગને પોતાની કામગીરી માટે સરોવરની મુલાકાતે જવું હતું તો તેને પણ જવા દેવામાં ન આવ્યા. ગત રાત્રીના મનપાના પદાધિકારીઓ, ભાજપના કાર્યકરો પોતાના પરિવાર સાથે સરોવરમાં ફરી તેનું લોકાર્પણ કરી નાખ્યું હોય તેવી શેખી મારી રહ્યા હતા. સિક્યુરીટી ગાર્ડ દ્વારા અમુક લોકોને રોકવામાં આવ્યા ત્યારે ભાજપના કાર્યકરો અમારો માણસ છે તેમ કહી અંદર લઈ જતા હતા. પોતાના મળતીયાઓ પાસે સરોવરમાં ચક્કરો મારી તેના વિડીયો બનાવી સોશ્યલ મિડીયા પર વાયરલ કરતા શહેરીજનો દ્વારા ટિખળ કરવામાં આવી રહી છે.
આ અંગે વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે કે, નરસિંહ સરોવર મુદ્દે શાસકોને તેનું પાપ ડરાવી રહ્યું હોય તેમ કોઈને પણ જવા પર પ્રતિબંધ મુકવાની ફરજ પડી છે. જો ખુબ સારૂ જ કર્યું હોય અને કંઈ ખોટું ન કર્યું હોય, ભ્રષ્ટાચાર ન કર્યો હોય તો આટલો બધો ડર શાનો લાગે છે ? સામાન્ય લોકો તથા નગરસેવકોને જવા પર પ્રતિબંધ મુક્યા બાદ ભાજપના અમુક કાર્યકરો, પદાધિકારીઓ તથા તેમનો પરિવાર કોની મંજુરી લઈ ગયો હતો ? મુખ્યમંત્રી આવે તે પહેલા સરોવરને ખુલ્લું મુકતા હોય તેવી શેખી મારી રહ્યા હતા. આમ, નરસિંહ સરોવરનો વિવાદ હજુ પણ ઠરવાનું નામ લેતો નથી.









